Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

પાંચ વર્ષના કેન્સરગ્રસ્ત બાળકને સ્ટેમ-સેલ્સ આપવા માટે ૪૮૫૫ લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા

લંડન, તા.૬: ઇંગ્લેન્ડનાં વોસેસ્ટરમાં રહેતા ઓસ્કર સેકસેલ્બી-લી નામના પાંચ વર્ષના છોકરાને એકયુટ લ્મ્ફિોબ્લાસ્ટિક લ્યુકેમિયા એટલે કે એક અતિ ગંભીર પ્રકારનું બ્લડ-કેન્સર છે. આ બાળકને કેન્સરમુકત કરવું હોય તો સ્ટેમ-સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. જોકે તેની બોડી સાથે મેચ થાય એવા સ્ટેમ-સેલ્સ ધરાવતી વ્યકિતની ખોજ કરવાનું બહુ અઘરું છે. થોડાક સમય પહેલાં ડોકટરોએ ઓસ્કરના પરિવારને કહી દીધું હતીું કે 'હવે દીકરા પાસે માત્ર ત્રણ મહિનાનો જ સમય છે. ત્યાં સુધીમાં સ્ટેમ-સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવું જરૂરી છે. આ સમયગાળામાં કંઇ નહીં કરવામાં આવ્યુ તો દીકરાને બચાવી નહીં શકાય.'

એ સાંભળીને પેરન્ટસે દીકરાના મેચિંગ સ્ટેમ-સેલ્સ શોધવા માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી હતી. એમાં તેમણે ઓસ્કરની તસ્વીરો સાથે તેની બીમારી વિશે વાત રજૂ કરી હતી. જોવા જેવી વાત એ છે કે પેરન્ટસની એ અપીલ સાંભળીને કેટલાય અજાણ્યા લોકો પોતાના સ્ટેમ-સેલ્સ મેચ થાય તો ડોનેટ કરવા તૈયાર થઇ ગયા હતા. હોસ્પિટલની બહાર તેમણે રીતસર મેચિંગ માટે સ્ટેમ-સેલ્સ આપવા માટે લાઇન લગાવી હતી. હોસ્પિટલનું કહેવું હતું કે બહાર વરસાદ વરસી રહ્યો હતો એમ છતાં કુલ ૪૮૫૫ લોકો આવ્યા હતા અને બહાર ઊભેલા લોકો પલળી રહ્યા હતા.

(3:42 pm IST)