Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૧૮૦ વર્ષ જીવવું છે આ ભાઈને, એટલે પોતાના જ સ્‍ટેમ સેલ્‍સ ઇન્‍જેક્‍ટ કરાવ્‍યા

લાંબું જીવવાની આકાંક્ષા પૂરી કરવા માટે તાજેતરમાં તેમણે પોતાના જ અસ્‍થિમજ્જામાંથી સ્‍ટેમ સેલ્‍સ તારવીને એને પોતાના જ શરીરમાં ઇન્‍જેક્‍ટ કરાવ્‍યા હતા

ન્‍યૂયોર્ક તા. ૬ : અમેરિકાના ઉદ્યોગપતિ અને લાઇફસ્‍ટાઇલ ગુરૂ તરીકે જાણીતા ડેવ એસ્‍પ્રેને ૧૮૦ વર્ષ જીવવાની આકાંક્ષા છે. આ માટે તેઓ પોતાના પર કોઈ પ્રકારના પ્રયોગ કરવામાં પણ જરાય અચકાટ નથી અનુભવતા. લાંબું જીવવાની આકાંક્ષા પૂરી કરવા માટે તાજેતરમાં તેમણે પોતાના જ અસ્‍થિમજ્જામાંથી સ્‍ટેમ સેલ્‍સ તારવીને એને પોતાના જ શરીરમાં ઇન્‍જેક્‍ટ કરાવ્‍યા હતા. એ મેડિકલ પ્રોસીજરમાં તેમને ૨૫,૦૦૦ પાઉન્‍ડ એટલે કે લગભગ ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ૪૭ વર્ષના ડેવ એસ્‍પ્રે સ્‍ટેમ સેલ્‍સ ઇન્‍જેક્‍ટ કરાવવા ઉપરાંત કોલ્‍ડ ક્રાયોથેરપી ચેમ્‍બરમાં બેસવા અને ઇન્‍ટરમિટન્‍ટ ફાસ્‍ટિંગ એટલે કે ચોક્કસ લાંબા કલાકના ઉપવાસ કરવા જેવી અનેક ઉપચાર પદ્ધતિઓ સમાંતર રૂપે અજમાવી રહ્યા છે અને ૨૧૫૩ની સાલ સુધી જીવવાની ઇચ્‍છા પૂરી કરવા પ્રયત્‍નશીલ છે.

ડેવ છેલ્લાં ૧૦ વર્ષથી ઠંડા-ચિલ્‍ડ પાણીથી નહાય છે અને શરીરના બાયોલોજિકલ ર્ક્‍લાકને પાછળ કરવાના આ પ્રયોગને તેઓ બાયો હેકિંગ તરીકે ઓળખાવે છે. ડેવ માને છે કે હાલમાં ચાલીસેક વર્ષની ઉંમરની વ્‍યક્‍તિઓ આ ઉપચાર અપનાવે તો સહેલાઈથી ઓછામાં ઓછાં ૧૦૦ વર્ષની ઉંમર સુધી જીવનની ખુશી માણી શકે છે.

 

 

 

 

(1:25 pm IST)