Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

મેડિકલ દુનિયામાં ઈતિહાસમાં પહેલીવાર મૃત ડોનરના ગર્ભાશયથી બાળકનો જન્મ

પહેલીવાર થયું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ: મહિલાને યૂટ્રસની બીમારી: ટ્રાન્સપ્લાન્ટના 7 મહિના પછી પ્રેગ્નેન્ટ થઈ મહિલા

પેરિસઃ મેડિકલ ઇતિહાસમાં દુનિયામાં પહેલીવાર એક મૃત મહિલા ડોનરના શરીરમાંથી ગર્ભાશય કાઢીને અન્ય મહિલાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને તે જ ગર્ભાશયમાં મહિલાએ 9 મહિના સુધી બાળકને ધારણ કર્યું અને હવે તેને સ્વસ્થ બાળકને જન્મ પણ આપ્યો છે. મેડિકલ જર્નલ ધ લેસેટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ બ્રાઝિલના સાઓ પોલોમાં આ ઘટના બની છે.

  અહેવાલ મુજબ સપ્ટેમ્બર-2016માં અહીં આ ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં એક મૃત મહિલાનું ગર્ભાશય એક સ્વસ્થ મહિલામાં લગાવવામાં આવ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2017માં આ મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
  ગર્ભાશયનું આ સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન હજારો મહિલાઓ માટે આશાનું એક કિરણ લઈને આવ્યું છે. જેથી જે મહિલાઓ ગર્ભાશયની બીમારીને કારણે બાળકની માતા ન બની શકે તેમ હોય તેઓનો ઇલાજ કરી શકાય છે. હાલ આવી સમસ્યાથી જોડાયેલ મહિલા પાસે બે જ રસ્તા છે કાં તો તે કોઈ બાળકને દત્તક લે કે પછી સરોગેસીનો સહારો લે.
  આ પહેલા સ્વીડનમાં 2014માં પહેલીવાર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સ્વસ્થ બાળક જન્મ્યું હતું. જોકે આ કિસ્સામાં ગર્ભાશય ડોનેટ કરનાર મહિલા જીવતી હતી. તે બાદ દુનિયામાં 10 આવા કેસ જોવા મળ્યા છે જેમાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે અને બાળકનો જન્મ પણ થયો છે. જેથી હવે ડૉક્ટર્સ મૃત મહિલા ડોનર્સના ગર્ભાશય જરુરિયાતમંદ મહિલાઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રોસિઝર અંગે વિચારી રહ્યા છે.
  દુનિયામાં લગભગ 10-15 ટકા કપલ્સ એવા છે જેઓ ઇન્ફર્ટાલિટીના શિકાર છે અને દરેક 500માંથી 1 મહિલા એવી છે જેઓ ગર્ભાશયની સમસ્યાથી પીડાય છે. ત્યારે યુનિવર્સિટી ઓફ સાઓ પોલોના ડૉ. ડેની ઇઝબર્ગ કહે છે કે, ‘અમારા પ્રયોગથી એ સાબિત થાય છે કે દુનિયાભરમાં એવી મહિલાઓ જેઓ ગર્ભાશયની બીમારીથી પીડાય છે તેમના માટે નવી શક્યતાઓ આવી છે.’
 ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટના 7 મહિના પછી ફર્ટિલાઇઝ્ડ એગ્સ આ મહિલાના ગર્ભાશયમાં આરોપીત કરાયું અને 10 દિવસ પછી ડૉક્ટર્સે કહ્યું કે મહિલા સફળતાપૂર્વક ગર્ભવતી બની ચૂકી છે. 9 મહિના સુધી પ્રેગ્નેન્સી બાદ તેને સીઝેરિયન દ્વારા એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ બેબી ગર્લનું વજન અઢી કિલો હતું. ધ લેસેંટ પત્રિકામાં જ્યારે આ અહેવાલ આવ્યો ત્યારે આ બાળકી 7 મહિના અને 12 દિવસની હતી. જે બ્રેસ્ટ ફીડિંગ પણ કરતી હતી અને 7.2 કિગ્રા વજન ધરાવતી હતી.

(12:42 am IST)