Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

આજે પણ ઘણા લોકો ઓછા વજનથી હેરાન !! અપનાવો વજન વધારવાના આરોગ્યપ્રદ ઉપાયો

મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતો વધુ વજન વાળા લોકો પર ધ્યાન આપે છે પણ ઘણા લોકોને ઓછા વજનના કારણે પણ આરોગ્ય વિષયક સમસ્યાઓ થાય છે

મોટા ભાગના અમેરીકન લોકોને મોટાપાની સમસ્યા છે, ત્યારે અમેરીકામાં પાંચ ટકા લોકો ઓછા વજનની સમસ્યાથી પીડાય છે. મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતો વધુ વજન વાળા લોકો પર ધ્યાન આપે છે પણ ઘણા લોકોને ઓછા વજનના કારણે પણ આરોગ્ય વિષયક સમસ્યાઓ થાય છે. ઓછું વજન જેનો બોડીમાસ ઈન્ડેક્ષ ૧૮.૫ અથવા તેનાથી નીચે હોય તેને ગણવામાં આવે છે.

ઘણા બધા સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, પુખ્ત અને વૃધ્ધોમાં ઓછા વજનની સમસ્યાના મૃત્યુનું જોખમ વધે છે. એમ યુકેની કેમ્બ્રીજ યુનિવર્સીટીના કલીનીકલ ગેરોન્ટોલોજીના પ્રોફેસર કેટી ખોનું કહેવું છે. ઓછા બોડીમાસ ઈન્ડેક્ષ હોવાના ઘણા કારણો છે. જેમાંનું એક કેન્સર પણ છે.

બીએમઆઈ હાડકા અને સ્નાયુઓ પર આધારીત હોય છે. ઓછો બીએમઆઈ હોવો એ દશાર્વે છે કે, હાડકા અને સ્નાયુઓ નબળા છે અને તેના કારણે ખાસ કરીને વૃધ્ધોમાં નબળાઈ, પડી જવું, હાડકું ભાંગવું અને બીજી આરોગ્ય વિષયક તકલીફ થઈ શકે છે.

બીજી એક વાત એ છે કે જે લોકો ખરેખર કુદરતી રીતે નબળા હોય છે, તે લોકો વધારે જંક ફુડ ખાય છે. કસરત કરવાનું ટાળે છે. તેના લીધે બીજી આરોગ્ય વિષયક સમસ્યાઓ ઉભી થાય છે.

ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે, પાતળા હોવું અને કલીનીકલી અન્ડરવેટ હોવું એ અલગ બાબત છે. તમે પાતળા હો, અન્ડરવેટ હો, અથવા મોટી વયના, તમારે વજન વધારવા શું કરવું જોઈએ.

લુસીઆના યુનીવર્સીટીના પેનીંગ્ટન બાયો મેડીકલ રીસર્ચ સેન્ટરના પ્રોફેસર એરીક રાઉસન કહે છે કે, તમારા ખોરાકમાં પોષકતત્વથી ભરપૂર, આરોગ્યપ્રદ વસ્તુઓ ઉમેરીને તમારા દિવસની શરૂઆત કરો. ઓલીવ ઓઈલ, એવોકેડો, બદામ અને મગફળીના દાણા આ બધા તેના ઉદાહરણ છે. લો ફેટ ડેરી પ્રોડકટની જગ્યા એ ફુલ ફેટ દુધ, ચીઝ, ગ્રીક યોગર્ટ પણ વજન વધારા માટે ઉપયોગી છે.

બીજો એક ઉપાય છે ત્રણવાર ભરપૂર ભોજન લેવું અને બે વાર નાસ્તો કરવો. આ બધામાં અનાજ, શાકભાજી અને પ્રોટીનનો ભરપૂર ઉપયોગ કરવો. એક કપ સુકામેવામાં ૮૦૦ કેલેરી મળે છે. સવારે એક કપ બદામ કે કાજુ માંથી થોડા નાસ્તામાં લો. બાકીના ખીસ્સામાં રાખીને થોડી થોડી વારે ખાતા રહો. (ટાઈમ્સ હેલ્થમાંથી સાભાર)

(10:00 am IST)