Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જહોનિસબર્ગ એરપોર્ટ પરથી દાણચોરી કરતા સિંહોના ૩૪૨ કિગ્રા હાડકા જપ્ત કરાયા

સિંહના હાડકાંઓનો આ જથ્થો ચોરીછૂપીથી મલેશિયા લઇ જવામાં આવી રહ્યો હતો

જહોનિસબર્ગ, તા.૫: દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ એરપોર્ટ ઓથોરિટીએ આફ્રિકન સિંહના ૩૪૨ કિલોગ્રામ હાડકાં જપ્ત કરતા દેશમાં સિંહના અવેદ્ય શિકારનો ભેદ ખુલ્યો છે. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ચિકિત્સક ઉપયોગો માટે અને ઘરેણાં બનાવવા માટે સિંહના હાડકાંઓની દાણચોરી કરવામાં આવી રહી હતી. 

વનવિભાગ મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું હતું કે, સિંહના હાડકાંઓનો આ જથ્થો ચોરીછૂપે મલેશિયા લઇ જવામાં આવી રહ્યો હતો, પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સામાનની તપાસ કરવામાં આવી ત્યારે એલ્યુમિનિયમના વરખમાં લપેટાયેલા સિંહના હાડકાંના ૧૨ બોકસ મળી આવ્યા હતાં, જેમનું વજન ૩૪૨ કિગ્રા હતું.

આફ્રિકન વન વિભાગ મંત્રાલયના પ્રવકતા અલ્બી મોદિસે જણાવ્યું કે, સિંહના હાડકાંઓની નિકાસ કાયદેસર રીતે માન્ય છે પરંતુ આ માટે મંજૂરી મેળવેલી હોવી જરુરી છે. આ મામલે ધરપકડ કરાયેલા તમામ લોકો વિદેશીઓ છે જેમાં બે ઝિમ્બાબ્વેના છે અને એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવાયો હતો.

નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકાના જંગલો સિંહોનું દ્યર માનવામાં આવે છે જયાં અગિયાર હજાર સિંહો વસે છે. આ પૈકી ત્રણ હજાર સિંહો ઉદ્યાનોમાં છે અને ત્યાં શિકાર કરવા પર પ્રતિબંધ છે.

(11:43 am IST)