Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દીકરાને જેલમાંથી બહાર કાઢવા માતાએ એકલા હાથે ૩૫ ફુટની ટનલ ખોદી

 કેદીઓ જેલમાંથી નાસી જવાની અને જેલ તોડીને રફુચક્કર થવાની જેટલી કથાઓ તમે ફિલ્મો અને ટીવી-શોમાં જોઈ હશે કે થ્રિલર નોવેલ્સમાં વાંચી હશે એનાથી સાવ જુદા પ્રકારની ઘટના યુક્રેનમાં બની છે. હત્યાના આરોપસર પકડાયેલા દીકરાને જેલમાંથી બહાર કાઢવા યુક્રેનની ૫૧ વર્ષની માતાએ હિંમત, સાહસ, ચતુરાઈ અને જોશ દર્શાવતાં જેલ પાસેથી અંદર સુધીની ૩૫ ફુટ લાંબી ટનલ ખોદી હતી. જોકે એ મહિલા રંગેહાથ ઝડપાતાં તેનો પોતાનો જેલવાસ પણ નિશ્ચિત બન્યો છે.

પુત્રપ્રેમમાં બેબાકળી બની ગયેલી મમ્મીએ ખૂબ સિફત અને પૂર્વયોજિત રીતે તેનું કામ હાથ ધર્યું હતું. તેણે પહેલાં દીકરાને જે પ્રદેશના કેદખાનામાં રાખવામાં આવ્યો હતો એ પ્રાંતમાં રહેવાની જગ્યા ભાડે લીધી હતી. ત્યાર પછી તેણે પાવડા અને કોદાળી જેવા ખોદકામનાં સાધનો ખરીદ્યાં હતાં. મહિલા દરરોજ રાતે સાઇલન્ટ સ્કૂટર પર ચોક્કસ ઠેકાણે પહોંચીને જેલની પાસેના ખેતરમાં ખોદકામ કરતી હતી. કેટલાક દિવસો સુધી ખોદકામ કરીને દસેક ફુટની ભૂગર્ભ ટનલ ખોદી શકી હતી. સ્થાનિક લોકો બહારની વ્યકિત તરીકે શંકા વ્યકત ન કરે એ માટે તેણે એ જ શહેરમાં ભાડા પર જગ્યા લીધી હતી. સાંજે અંધારું થયા પછી તક જોઈને તે જેલની દિશામાં રવાના થતી હતી. ખોદકામથી નીકળતા માટી અને પથરા નાનકડી ટ્રોલીમાં ભરીને થોડે દૂર ઠાલવી આવતી હતી. ત્રણ અઠવાડિયાં સુધી ખોદકામ કરીને ત્રણ ટન કરતાં વધારે માટી-પથરાનો ઢગલો કર્યા પછી એક દિવસ અચાનક મહિલાને જેલના અધિકારીઓ અને પોલીસે રંગેહાથ ઝડપી લીધી હતી.

એક સ્થાનિક દુકાનદારને મહિલાનો ફોટો બતાવ્યો ત્યારે તે તેને ઓળખી શકયો નહોતો, પરંતુ તે જે વિસ્તારમાં ભાડાની જગ્યામાં રહેતી હતી એ વિસ્તારના લોકો મહિલાના પુત્રપ્રેમથી પ્રભાવિત હતા. લોકોએ કહ્યું હતું કે આજના જમાનામાં જયારે આપણે સંતાનોને ત્યજી દેતી માતાઓના કિસ્સા જોઈએ છીએ ત્યારે પુત્ર માટે આવો ત્યાગ કરનાર સ્ત્રીનું ઉદાહરણ પ્રોત્સાહન અને ગર્વ લેવાનો વિષય બને છે.

(4:16 pm IST)