Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સાઉદી અરેબિયામાં 2 મહિલાઓને આપવામાં આવી સરકારમાં જવાબદારી

નવી દિલ્હી: એવું જોવા મળે છે કે સાઉદી હવે નવી ભરતી નીતિઓમાં મહિલાઓને સાથે લઈ રહ્યું છે. આ બધું સાઉદી વિઝન 2030નું પરિણામ છે. વિઝન-2030 એ તેલ યુગની બહાર સાઉદી અરેબિયાના સામાજિક-આર્થિક સુધારા માટેનો ડ્રાફ્ટ પ્લાન છે. તેલ આધારિત અર્થવ્યવસ્થાની બહાર પોતાને આધુનિક રાષ્ટ્ર તરીકે રજૂ કરવાના પ્રયાસનો આ બીજો તબક્કો છે. એક ઐતિહાસિક પગલામાં, સાઉદી અરેબિયા, જે એક સમયે મહિલાઓના અધિકારો અને તેમના કપડાં, જીવનશૈલીને લઈને ખૂબ જ કડક હતા, તેણે સરકારમાં બે મહિલાઓને મોટી જવાબદારી સોંપી છે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશની રૂઢિચુસ્ત છબી બદલવાના અભિયાન હેઠળ લીધેલા એક નિર્ણયમાં સરકારમાં વરિષ્ઠ હોદ્દા પર બે મહિલાઓની નિમણુંક કરી છે. હકીકતમાં, સાઉદી અરેબિયાની સરકાર દ્વારા બહાર પડાયેલા એક આદેશમાં શિહાના અલજાઝને સાઉદી કેબિનેટની પ્રથમ મહિલા ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે, હાયફા બિન્ત મોહમ્મદ અલ સઉદને પર્યટન ઉપમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અલજાઝ સાઉદી અરેબિયામાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મેળવનાર પ્રથમ મહિલાઓમાંની એક હતી. રિપોર્ટ અનુસાર, સરકારનું આ પગલું એ વાતનો સંકેત છે કે સરકાર વર્કફોર્સમાં વિવિધતા લાવવા માંગે છે. સાઉદી અરેબિયા ધીમે ધીમે મહિલાઓ પરના પ્રતિબંધો હળવા કરી રહ્યું છે. આ શ્રેણીમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં, મહિલા કર્મચારીઓ પર મુકેલા ઘણા પ્રકારના પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે અને તેમને પુરૂષ-વાલીની પરવાનગી વિના કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 

(7:19 pm IST)