Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અનાથ બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે એ માટે આ ટીચરે તેને દત્તક લઇ લીધો

ન્યુયોર્ક, તા. પ : અમેરિકાના કોલોરાડોમાં ૧૩ વર્ષના ડોમિયન નામના છોકરાને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને આખરે તેની કિડની ફેલ થઇ જતાં તેનો જીવ બચાવવા માટે કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરવી જરૂરી હતી. ડોમિયન અનાથ હોવાથી અનાથાલયમાં રહેતો હતો. તેની બરાબર દેખભાળ રાખી શકાય એ માટે તેને વારાફરતી ઘણા ફેર હોમ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. કિડની માટે હોસ્પિટલમાં તેનું નામ પણ નોંધાવેલુ હતું, પણ તેનો વારો આવ્યા પછી પણ તેને કિડની ન મળી એનું કારણ હતું. અમેરિકાનો વિચિત્ર કાયદો. અહીં એ વ્યકિતને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન મળે જેની પાસે રહેવા માટે કોઇ સ્થાયી ઘર ન હોય. ૧૩ વર્ષનો ડોમિયન તો અનાથ હતો અને કેર હોમ્સમાં અહીંતહીં ફરતો રહેતો હતો એટલે તેનું યાદીમાં નામ આવ્યા પછી પણ તેને કિડની માટે ઉપર્યુકત ગણવામાં ન આવ્યો. વાત એટલી ખરાબ હતી કે તેને ફુલટાઇમ ડાયાલિસિસ માટે હોસ્પિટલમાં ભરતી કરવો પડયો. તેના ગણિતના ટીચર ફિન લેનિંગને આ વાતની ખબર પડતાં તેમણે આશાની નવી કિરણ જગાવી. કિડનીની બીમારીને કારણે સ્કૂલમાંથી વિદાય લઇ લીધી છે એવી ખબર પડતા ફિને આ મામલાની પૂરી તપાસ કરી. ડોમિયન કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે એલિજિબલ બને એ માટે તેમણે તેને દત્તક લઇ લીધો અને પોતાના ઘરે લઇ આવ્યા. હવે ડોમિયન પોતાના નવા પપ્પાના ઘરે છે અને કિડની-ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહ્યો છે. ગોફંડમી કેમ્પેન દ્વારા કેટલાય બાળકોએ ડોમિયન માટે ભંડોળ પણ એકત્ર કરી લીધું છે અને હવે ટુંક સમયમાં જ તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

(3:31 pm IST)