Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

થાઇલેન્ડના એક ગામમાં પુરૂષો પહેરે છે સ્ત્રીઓના કપડા!

પુરૂષોને શિકાર બનાવે છે વિધવાનું ભૂત

બેંગકોક તા. ૫ : થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં પુરુષો  સ્ત્રીઓના કપડાં પહેરી રહ્યાં છે. આની પાછળ એક ખૂબ જ વિચિત્ર કારણ જણાવવામાં આવી રહ્યું છે. ડેલી મેલના અહેવાલ અનુસાર એક વિધવાના ભૂતના ડરને કારણે લોકો આવું કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા ગામના પાંચ હટ્ટા-કટ્ટા માણસ ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા. લોકો આના માટે તે વિધવાના ભૂતને જવાબદાર માનવા લાગ્યા.

ગામના લોકોનું માનવું છે કે, વિધવાનું ભૂત ગામના પુરુષો અને યુવકોને પોતાના શિકાર બનાવી રહી છે. ગામની  સ્ત્રીઓએ પોતાના પતિ અને પુત્રોને બચાવવા માટે તેમણે  સ્ત્રીઓના કપડાં પહેરાવવાનું શરૂ કરી દીધું. તેમનું માનવું છે કે, આવું કરવાથી તે વિધવાના ભૂતને લાગશે કે, ગામમાં માત્ર  સ્ત્રીઓ જ છે, પુરુષ નહીં અને ભૂત ગામમાંથી ભાગી જશે.

ગામના પુરુષો મહિલાના કપડાંઓ પહેરી જ રહ્યાં છે સાથે-સાથે એક વિચિત્ર ઉપાય પણ કરવામાં આવ્યો છે. તેમણે પોતાના ઘરોમાં ચાડિયા બનાવી રાખ્યા છે. તેમણે ભૂતને ભગાડવા માટે ખાસ પણે આ ચાડિયા બનાવ્યા છે. લોકોએ આ ચાડિયાનો પ્રાઈવેટ પાર્ટ પણ બનાવ્યો છે. ૮૦ સેન્ટીમીટરના પ્રાઈવેટ પાર્ટને લાલ રંગથી રંગીને તેની પર લખવામાં આવ્યું છે કે, 'અહીં કોઈ મર્દ નથી.' ચાડિયાને ઘરની બહાર રાખવામાં આવ્યો છે જેથી ભૂત તેને જોઈને ભાગી જાય છે.

રસપ્રદ વાત એ છે કે, આ ચાડિયા મૂકયા પછી કોઈ પુરુષનું મૃત્યુ થયું નથી. જોકે, લોકો મોતનું અસલી કારણ હજુ સુધી જાણી શકયા નથી. બાજુના ગામમાં પણ પુરુષોના મૃત્યુની અફવા આવી રહી છે. ગામના લોકોને બીક છે કે, ભૂત હવે કયાંક નાના બાળકોને પોતાનો શિકાર ન બનાવવા લાગે.

ગામના એક આધેડે જણાવ્યું કે. 'મને પૂરો વિશ્વાસ છે કે, સ્વસ્થ લોકોના મૃત્યુ પાછળ વિધવાનું ભૂત જ જવાબદાર છે. અહીં પાંચ લોકો પહેલા જ મરી ચૂકયા છે. મારી પત્ની અને બાળકોને ડર છે કે, કયાંક હું પણ ન મરી જાઉ. એટલે મને સાચવવા તેમણે ઘરની બહાર ચાડીયો મૂકયો.'(૨૧.૧૦)

(9:48 am IST)