Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ઇંગ્લેન્ડના એક ગામમાં કોઈ અજાણી વ્યકિત અવારનવાર હજારો પાઉન્ડ એમ જ મૂકી જાય છે

લંડન,તા.૪:ઇંગ્લેન્ડના ડરહામ શહેરની પાસેના ગામની શેરીઓમાં કોઈક અજાણ્યો માણસ અવારનવાર હજારો પાઉન્ડ્સની થોકડીઓ મૂકી જાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ૧૨ વખત આવું બન્યું છે. દરેક વખતે ૨૦,૦૦૦ પાઉન્ડ્સની આસપાસની રકમ હોય છે. આ વર્ષે ચાર વખત આવી થોકડી મળી છે. ગયા અઠવાડિયે ચલણી નોટોનું બંડલ મળી આવ્યું હતું. ગામના જુદા-જુદા વિસ્તારોમાં લોકોની નજર પડે એ રીતે ફુટપાથ જેવા ઠેકાણે નોટોની થોકડી મૂકવામાં આવે છે. પોલીસ ડિટેકિટવે આવું શા માટે બને છે એ જાણવાનો પ્રયાસ કર્યો. ફિન્ગરપ્રિન્ટ ચેક કરાવ્યા છતાં કોઈ પગેરું મળ્યું નથી. કોઈ ખૂબ પૈસાદાર અને ભૂલકણા માણસનું એ કામ છે કે પછી ઇરાદાપૂર્વક એવું બને છે એ સ્પષ્ટ થતું નથી. પોલીસે જાહેર સ્થળેથી મળતી ચલણી નોટોની થપ્પી સોંપી દેવા બદલ સંબંધિત બ્લેકહોલ કોલિયરી (કોલસાની ખાણ)ના વિસ્તારના પ્રામાણિક રહેવાસીઓનો આભાર માન્યો હતો. જોકે રોકડ રકમનો માલિક આવીને દાવો કરે એ માટે એ થપ્પી બે અઠવાડિયાં પોલીસ પાસે રાખવાનો ઇંગ્લેન્ડનો નિયમ છે. એ નિયમ પ્રમાણે છેવટે એ રકમ જે લોકોએ આપી હોય તેમને પાછી આપી દેવાનો વારો આવે છે. કોઈ કોલસાની ખાણના કર્મચારીઓની વસાહતના રહેવાસીઓને મદદ કરતો હોય એવી શકયતા ચર્ચાય છે. કોઈ કહે છે કે ભૂતકાળમાં એ વસાહતના રહેવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરનાર માફી માગવાના ઇરાદાથી આવું કરતો હશે.

(3:48 pm IST)