Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

યુધ્ધમાં સૈનિકો જેવી જ ભુમિકા ભજવે છે ઉંદર, ડોલ્ફીન, કબુતર, ચકલી સહીતના જીવ-જંતુઓ

કબુતરનો ઉપયોગ દુશ્મન દેશના જાસુસી ફોટા માટે તો ડોલ્ફીન અને ઉંદરનો ઉપયોગ સુરંગ ચકાસણી માટે થાય છે

વોશીંગ્ટન : દુશ્મનને માત કરવા માટે જેટલી ભુમિકા સૈનિકો નિભાવે છે. તેટલી જ ભુમિકા ઉંદર, સમડી, ડોલ્ફીન, કબુતર ચકલી સહીતના જીવ જંતુઓ પણ નિભાવી રહ્યા છે.

બધાને ખ્યાલ હશે જ કે શીત યુધ્ધ થયુ ત્યારે અમેરીકાએ પાણીની અંદર બિછાવવામાં આવતી સુરંગોને શોધવા ડોલ્ફીનની મદદ લીધી હતી.

તો વળી આફ્રીકી દેશે દુશ્મનોએ બિછાવેલ સુરંગ ઓળખવા ઉંદરોનો ઉપયોગ કરેલો. આ ઉંદર વજનમાં સાવ હલ્કા હોવાથી સુરંગ ફાટવાનો ભય રહેતો નથી. ઉંદર તેને ઓળખીને સાવધાન કરી દયે છે.

અમેરીકાની સેના તો ત્યાં સુધીનો દાવો કરે છે કે દરેક કાર્યવાહીની માહીતી મેળવવામાં શ્વાન (કુતરા) ખુબ ઉપયોગી બની રહે છે. ખુંખાર કુતરા તાલીમ બાદ દુશ્મનોનો ખાત્મો બોલાવી દયે છે. સીરીયામાં આઇએસ પ્રમુખ અબુ બકર અલ બગદાદીને ખતમ કરવામાં એક શ્વાનની ભુમિકા મહત્વપૂર્ણ બની હતી.

સંદેશ વાહક કહેવાતા કબુતરનો ઉપયોગ પહેલા વિશ્વયુધ્ધ સમયે દુશ્મનોની ગતિવિધિના ફોટાઓ મેળવવા થયો હતો. તે સમયે ઉપયોગમાં લેવાતા કેમરાથી એક કે બે તસ્વીર જ લઇ શકાતી. આજે ૧૨ થી વધુ ફોટા મેળવી શકાય છે. અમેરીકા જેવા મોટા દેશો સીમા પર જાસુસી કરવા કબુતરનો ઉપયોગ કરે છે.

આકાશમાં ઉંચે સુધી તેજ ગતિએ ઉડી શકતી સમડી પણ દુશ્મનોના ડ્રોનનો ખાત્મો બોલાવી દેવા માટે કામ આવે છે. ડચમાં દુશ્મનોના ડ્રોનને તોડી પાડવા ચીલનો ઉપયોગ થતો. ચીલ (સમડી) સહીત અન્ય પક્ષીઓને સીમા પર તૈનાત રાખવામાં આવે છે.

તો વળી દક્ષિણ કોરીયાને સતત એવો ભય સતાવી રહ્યો છે કે કયારેક ઉત્તર કોરીયા ગેસ હુમલો કરશે. આથી તેણે પીળી ચકલીઓના પાંજરા સરહદ પર મુકી રાખ્યા છે. જો આ ચકલીઓ મરવા માંડે તો ગેસ ગળતર શરૂ થયાની જાણ થઇ જાય અને દેશને સાવધાન કરી શકાય. આમ અહીં ચકલીઓનો આ રીતે ઉપયોગ કરાયો છે.

શાહમૃગ પણ દુરથી દુશ્મનને ઓળખી લેવાની કાબેલીયત ધરાવે છે. પોતાના ધારદાર પગના અંગુઠાથી તે સિંહ જેવા શકિતશાળી દુશ્મનને પણ ખતમ કરી શકે છે. માટે કેટલાક દેશ દુશ્મનોની ઘુષણખોરીને રોકવા સરહદો પરની ચોકી કરવાનું કામ શાહમૃગને શોંપી દયે છે.  આમ યુધ્ધ મોરચે પણ જીવ જંતુ અને પક્ષીઓનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે.

(3:33 pm IST)