Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ઊભા રહીને પણ મેદસ્વિતા દૂર કરી શકાય છે

નવી દિલ્હી તા.૪: નિષ્ક્રિય જીવનશૈલી શરીરને બીમાર કરી દે છે. તેથી વ્યકિત માટે જરૂરી છે કે તે કંઇક ને કંઇક કામ કરતી રહે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે આપણે થોડા સમય માટે ઊભા રહીને પણ મેદસ્વિતા અને ડાયાબિટીસ ટાઇપ-૨ જેવી બીમારીના ખતરાને ઘટાડી શકીએ છીએ. પીએલઓએસ-૧ નામના મેગેઝિનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આપણે ઊભા રહીને સતત બેસી રહેતા કે સૂઇ રહેતા લોકોની સરખામણીમાં લગભગ ૪૫ કેલરી ઘટાડી શકીએ છીએ.

અભ્યાસના લેખક અને સ્પેનના ગ્રેનેડા યુનિવર્સિટીના ફ્રાન્સિસ્કો જે.અમારોએ જણાવ્યું કે આપણે જીવનશૈલીમાં મામૂલી ફેરફાર લાવીને ગતિહીન જીવનશૈલીના કુપ્રભાવથી બચી શકીએ છીએ. આપણે વધુ ભાગદોડના બદલે માત્ર થોડો સમય ઊભા રહીશું તો પણ મેદસ્વિતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ જેવી બીમરીઓનું જોખમ ઘટી જશે. આ અભ્યાસના સંશોધકોએ ૫૩ યુવાનોને બે ભાગમાં સામેલ કરીને અભ્યાસ કર્યો.

સંશોધકોએ અભ્યાસ દરમિયાન જાણ્યું કે જે લોકોએ પોતાની એનર્જી ઊભા રહીને ખર્ચી તેમણે બેસી રહેતા લોકોની સરખામણીમાં ૧૦ ટકા વધુ કેલરી બર્ન કરી. તેની સૌથી વધુ અસર માંસપેશીઓમાં પણ જોવા મળી. જે લોકો ઊર્જાથી ભરપૂર રહે છે તેમની માંસપેશીઓમાં વૃદ્ધિ જોવા મળી. તેમણે કહ્યું કે જો તમે મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવા રોગથી દૂર રહેવા ઇચ્છતા હો તો બેસી ન રહો. કંઇકને કંઇક કામ કરી શકતા ન હો તો ઊભા રહીને પોતાની એનર્જી ખર્ચતા રહો, તેનાથી તમારા શરીરને લાભ મળશે.

વજન વધવાની સમસ્યા ખતરનાક

વજન વધવાની સમસ્યા ખતરનાક હોય છે. શારિરીક શ્રમની કમી, ફાસ્ટ ફૂડ અને મસાલેદાર ભોજનના સેવનના કારણે લોકોમાં રોજેરોજ મેદસ્વિતાની સમસ્યા વધી રહી છે. તેના કારણે ગંભીર બીમારીઓ પણ થાય છે. ડોકટર મેદસ્વિતાને જીવનશૈલી સાથે જોડાયેલો રોગ માને છે, તેમાંથી અનેક બીમારીનો જન્મ થાય છે.

(3:50 pm IST)