Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કયારેક સ્મોકિંગ ન કરનારને પણ થઇ શકે ફેફસાંનું કેન્સર

નવીદિલ્હી, તા.૪: જીવનમાં કયારેક ધૂમ્રપાન ન કરનારા લોકોમાં પણ ફેફસાંનું કેન્સર થવાની સંભાવના છે એવું એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. જોકે આમાં ચોંકાવનારી વાત એ છે કે ૩૦ વર્ષથી ઓછી વયના લોકો તેમ જ મહિલાઓમાં પણ ફેફસાંનું કેન્સર થવાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. વાસ્તવમાં ફેફસાંના કેન્સરમાં પ્રદૂષણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. દિલ્હીમાં સર ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા ૧૫૦માંથી ૭૪ જણે કયારેય ધૂમ્રપાન કર્યું નહોતું. આમ છતાં તેમને થયેલા ફેફસાંના કેન્સર પરથી એ વાત સ્પષ્ટ થાય છે.  વાયુપ્રદૂષણ તેજીથી વધતું જાય છે, જે માનવીનાં ફેફસાંને અસર કરી રહ્યું છે. વાતાવરણમાં ફેલાયેલા પ્રદુષણને લીધે રોજ શ્વાસમાં લગભગ ૧૦ સિગારેટ પીવામાં આવી હોય એટલો હાનિકારક ધુમાડો જાય છે. દિલ્હીમાં જન્મ લેનારા પ્રત્યેક બાળક તેના પહેલા શ્વાસથી જ સ્મોકર બની રહ્યું છે. આમ પચીસથી ૩૦ વર્ષની વયનું થતાં સુધીમાં આ બાળક ફેફસાંના કેન્સરનો પેશન્ટ બની જાય છે, પછી ભલે તે સ્મોક કરતું હોય કે ન કરતું હોય. કેન્સરને પુરુષોની બીમારી માનવામાં આવતી હતી.

૨૦૧૨ના ડેટામાં પુરુષ અને મહિલાઓમાં કેન્સરનો રેશિયો ૭:૧નો હતો, જે હવે કરાયેલા અભ્યાસમાં વધીને ૩.૮:૧ થયો છે. અભ્યાસમાં સામેલ કરાયેલી ફેફસાંના કેન્સરની ૩૧ મહિલા પેશન્ટમાંથી માત્ર બે જ મહિલા સ્મોકર હતી. બાકીની મહિલાઓને ફેફસાંનું કેન્સર થવું એ વાત સાબિત કરે છે કે આ બીમારી તેમને પ્રદુષણને કારણે થઇ છે.(૨૨.૧૮)

(3:55 pm IST)