Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

એટલો સન્નાટેદાર રૂમ બન્યો છે કે એમાં ૪૫ મિનિટથી વધુ કોઇ રહી શકે એમ નથી

ન્યુયોર્ક તા.૪: ચોતરફ અવાજનું પ્રદૂષણ એટલું છે કે કયારેક એમ થઇ જાય કે થોડીક શાંતિ મળે તો કેટલું સારૂ? જો તમને પણ એવી ઇચ્છા હોય તો અમેરિકાની માઇક્રોસોફટ કંપનીએ આવો જડબેસલાક શાંતિ ધરાવતો રૂમ તૈયાર કર્યો છે. આ રૂમની ખાસિયત એ છે કે એમાં બહારથી કોઇ જ પ્રકારનો અવાજ અંદર આવી શકતો નથી. પિન-ડ્રોપ સાઇલન્સ એટલે શું એનો ખરો પરચો એ રૂમમાં મળી શકે એમ છે. ૧૦.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે વોશિંગ્ટનના રેડમન્ડ પરિસરમાં માઇક્રોસોફટના હેડકવાર્ટરમાં બનેલા આ રૂમમાં એટલો સન્નાટો હોય છે કે તમે તમારી પોતાની ધડકનનો અવાજ સાંભળી શકો છો અને તમારા શરીરમાં લોહી દોડી રહ્યું છે એનો પણ અહેસાસ કરી શકો છો. આ રૂમ વિશ્વનો સૌથી સાઇલન્ટ રૂમ હોવાનું મનાય છે. અહીં -૨૦.૩ ડેસિબલ અવાજ પણ માપી શકાય છે. ટૂંક સમયમાં જ આ સન્નાટેદાર રૂમને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે.

આ રૂમ છ મોટી દિવાલોની અંદર બન્યો છે. પ્રત્યેક દિવાલ એક ફુટ જાડી છે. અંદરની દીવાલ અને છત બનાવવા માટે ફાઇબર ગ્લાસનો ઉપયોગ થયો હોવાથી રૂમમાં અવાજ પડઘાતો નથી. ૨૧ ફુટ ઊંચો અને ૨૧ ફુટ પહોળો રૂમ ૬૮ કંપનો રોકનારી સ્પ્રિંગ પર એ બન્યો છે. ભોંયતળિયું ફાઇટર જેટ્સમાં ધ્વનિ રોકવા માટે વપરાતા ખાસ સ્ટીલના કેબલ પર બન્યું છે. માઇક્રોસોફટના પરિસરમાં આવી સાત ચેમ્બર બનાવવામાંં આવી છે. આ પ્રકારના રૂમ હેડફોન અને માઉસ-કિલકની અવાજનું ટેસ્ટિંગ કરવા માટે વપરાય છે. આ રૂમમાં એટલો સન્નાટો હોય છે કે કેટલાક લોકો એક મિનિટથી વધુ રોકાઇ નથી શકતા. અહીં કોઇ વ્યકિત હજી સુધી વધુમાં વધુ ૪૫ મિનિટથી વધુ રહી શકી નથી.

(3:35 pm IST)