Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમેરિકન કંપની એપ્પલને એક જ દિવસમાં ૭પ અબજ ડોલરનું નુકશાન

વોશિંગટનતા.૪: વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં સામેલ એવી અમેરિકન કંપની એપ્પલના શેરોમાં ધરખમ ઘટાડો થતા એક જ દિવસમાં આ કંપનીને કુલ ૭૫ અબજડોલર એટલે કે લગભગ ૫,૨૫,૮૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.

જોકે આ અગાઉ એપ્પલે એક દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે ૨૦૧૮ના આખરના ત્રણ માસમાં કંપનીની કુલ કમાણીના અંદાજ કરતા ઓછી રહે તેવી સંભાવના છે. આ અંગે કંપનીએ પહેલા ૮૯ અબજ ડોલરની આવકનો અંદાજ રાખ્યો હતો. પરંતુ બે દિવસ પહેલા કંપનીએ જણાવ્યુ હતુ કે હવે કંપનીને ૮૪ અબજ ડોલરની આવક થઈ શકે તેમ છે.છેલ્લાં ૧૬ વર્ષમાં પહેલીવાર એવુ બન્યુ છે કે જેમાં એપ્પલે તેની આવકના અનુમાનમાં કાપ મુક્યો છે. આવી ચેતવણી બાદ કંપનીના શેર દસ ટકા સુધી ઘટી ગયા હતા.૨૦૧૮ના આખરના ત્રણ માસમાં કંપનીની આવક ઘટવા પાછળના કારણમાં ચાઈના બજારમાં આઈફોનના વેચાણમાં ઘટાડો થયો હોવાનું પણ માનવામા આવી રહ્યુ છે. કંપની તરફથી આપવામા આવેલી ચેતવણી બાદ અમેરિકાના મુખ્ય બજારમાં પણ ઘટાડાનુ વલણ જોવા મળ્યુ હતુ.જેમાં ટેકનોલોજી કંપનીઓ વાળા નૈસડેકનો સૂચકઆઁક ૩.૧ ટકા ઘટીને બંધ રહ્યો છે.એપ્પલ ગત ઓગસ્ટમાં જ વિશ્વની પહેલી હજાર અબજ (એક ટ્રિલીયન) ડોલરની કંપની બની હતી. અને તેણે બીજી મોટી કંપનીઓ જેવી કે એમેજોન, માઈક્રોસોફટ અને ફેસબુકને પાછળ રાખી હજાર અબજ ડોલરનો આંકડો પાર કર્યો હતો.

(3:39 pm IST)