Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રશિયાએ સીરીયામાં કર્યો હવાઇ હુમલોઃ ૨૦થી વધુ નાગરિકોના મોત

સીરિયા તા. ૪ : રશિયન ફાઈટર જેટ વિમાનોએ સીરિયાની રાજધાની દામિશ્ક પાસે હવાઈ હુમલો કર્યાના સમાચાર છે. પ્રાથમિક અહેવાલ મુજબ આ હુમલામાં આશરે ૨૩ નાગરિકોનાં મોત થયા છે. માર્યા ગયેલા નાગરિકોમાં ત્રણ બાળકો અને ૧૧ મહિલાઓનો સમાવેશ થાય છે. સીરિયાનો આ વિસ્તાર હાલમાં વિદ્રોહીઓના કબજામાં છે.

બ્રિટન સ્થિત માનવાધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમનરાઈટ્સે જણાવ્યું છે કે, મિસરાબા શહેરમાં કરવામાં આવેલા રશિયાના હવાઈ હુમલામાં ૧૮ લોકોના મોત થયા હતા, જયારે બાકીના લોકો સરકારી સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં માર્યા ગયા હતા.

આ પહેલા પણ જૂન-૨૦૧૭માં સીરિયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત જેલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને તેના સંગઠન દેશો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં આશરે ૬૦ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. એ સમયે અમેરિકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હુમલામાં અમેરિકાનો ટાર્ગેટ માત્ર જેહાદીઓ હતા.

વર્ષ ૨૦૧૧થી શરુ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૪૦ હજારથી પણ વધુ લોકોના મોત થઈ ચુકયા છે. અને લાખો લોકો બેઘર થયા છે. રશિયા દ્વારા સીરિયાના જે વિસ્તારમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો છે તે પૂર્વી ગોતા શહેર સીરિયાની રાજધાની દામિશ્ક પાસે આવેલું એક નાનું શહેર છે. જેના મોટાભાગના વિસ્તારમાં જૈશ-અલ-ઈસ્લામના વિદ્રોહિઓનું નિયંત્રણ છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના સમર્થનમાં રશિયાએ વર્ષ ૨૦૧૫થી અહીં હુમલા કરવાનું શરુ કર્યું છે.

(3:50 pm IST)