Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સ્વીડનમાં ૬૮ ટકા વૃધ્ધો તેમની સેકસ લાઇફમાં એકિટવ

વૃધ્ધોમાં વધી રહેલી એકલતા, તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પર વાત કરવાની સાથે આ વિષય પણ મહત્વનો છે

સ્ટોકહોમ તા. ૩ : આપણા દેશમાં સેકસ અંગે વાત કરવી અયોગ્ય અને શરમજનક વિષય માનવામાં આવે છે. યુવાન લોકોની સેકસ લાઇફ વિશે વાત કરવામાં પણ લોકો ખચકાય છે, તો પછી ૬૦ વર્ષ પાર કરી ગયેલ વૃદ્ઘોની સેકસ લાઇફ વિશે વાત નહી, વિચાર પણ નથી કરી શકાતો. પરંતુ આસપાસ નજર કરશો તો ભારતમાં પણ મોટી ઉંમરના લોકો ખાસ કરીને ૬૦ પાર કરી ગયેલા લોકો તેમની સેકસ લાઇફમાં એકિટવ હોવાના ઉદાહરણ જોવા મળશે. હાલમાં જ બોલીવુડમાં આ મામલે એક ફિલ્મ બની હતી જેને લોકોએ ખૂબ જ પંસદ કરી હતી.

 વૃદ્ઘોની સેકસ લાઇફ પ્રત્યે ભારતમાં ભલે કોઇ સક્રિય નથી કે કોઇ પણ પ્રકારના સંશોધન કે રિસર્ચ કરવામાં આવતા નથી, પરંતુ બીજા દેશોમાં આ વિષયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. અહી વાત કરવામાં આવી રહી છે દુનિયાના વિકસિત અને ખુશીઓથી ભરેલા દેશ સ્વીડનની.

 સ્વીડન દેશે હાલમાં જ ૭૦ વર્ષની ઉંમર કે તેનાથી વધારે ઉંમર ધરાવતા લોકોની સેકસ લાઇફ પર રિસર્ચ કર્યુ છે. જેના પરિણામો બતાવે છે કે ૧૯૧૭માં જયાં ૫૨ ટકા વૃદ્ઘો પોતાની સેકસ લાઇફમાં એકિટવ હતા. ત્યાં હવે લગભગ ૫૦ વર્ષ પછી તેમની સંખ્યામાં વધારો થઇને ૬૮ ટકા નોંધવામાં આવ્યો છે. મહિલાઓમાં આ સંખ્યા ૩૮ ટકાથી વધીને ૫૬ ટકા થઇ છે.

 ૨૦૧૧ના જનસંખ્યા આંકડાઓ મુજબ ભારતમાં ૧૦.૪ કરોડ વૃદ્ઘો ૬૦ વર્ષથી ઉપરની ઉમરના છે. યુનાઇડેટ નેશન્સ પોપ્યુલેશન ફંડનું અનુમાન છે કે ૨૦૨૬ સુધી આ આંકડો ૧૭ કરોડને પાક કરી જશે. વિચાર કરવા યોગ્ય બાબત છે કે વૃદ્ઘોમાં વધી રહેલી એકલતા, તણાવ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓ પર વાતચીત કરવાની સાથે-સાથે તેમની સેકસ લાઇફ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. આ વિષય પર જેટલા ખુલ્લા મનથી વાત થશે તેટલો જ વધારે ફાયદો થશે.

(9:59 am IST)