Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

રોજ ૧પ૦૦૦ ડગલા ચાલવું જરૂરી

શારિરીક ફાયદા, વજન ઘટાડવા અને આરોગ્યપ્રદ જીવન માટે ફાયદાકારક

ર૦૦૦ ની સાલમાં એક જાપાનીઝ ટીમે તારણ આપ્યું હતું કે રોજના ૧૦૦૦૦ ડગલા ચાલવાથી બ્લડ પ્રેશર અને હાઇપર ટેન્શનમાં ફાયદો થાય છે. ત્યાર પછી પણ આ અંગે ઘણા રિસર્ચ થયા હતા જેમાં જણાવાયું હતું કે ૧૦૦૦૦ ડગલા રોજના ચાલવાથી શારિરીક ફાયદાઓ, વજન ઘટાડવામાં અને શરીરનું બંધારણ સુધારવામાં ફાયદો થાય છે.

પણ નવાજ થયેલા બે અભ્યાસો એવું કહે છે કે રોજના ૧પ૦૦૦ અથવા તેનાથી વધારે ડગલા ચાલવું એ વધારે સારૃં લક્ષ્ય છે. એ બે અભ્યાસમાંથી એક લાન્સેટમાં પ્રગટ થયો હતો. આ અભ્યાસના સહલેખક અને સેન્ટ લ્યુકસ હેલ્થ સીસ્ટમના કાર્ડીયોલોજીસ્ટ ડોકટર હેન્ડલ થોમ્પસન કહે છે કે આ અભ્યાસ બોલીવીયાના સીમાને પ્રાંતમાં કરાયો હતો. જેમાં અમને જાણવા મળ્યું કે ત્યાંના મોટા ભાગના લોકોના હૃદયો અમેરિકન લોકોની સરખામણીમાં ર૮ વર્ષે યુવાન હતા.

થોમ્પસન અને તેના સાથીદારોને જાણવા મળ્યું કે તે લોકોને રોજનું પાંચથી છ કલાક ચાલવાનું થતું હતું જો તેની ગણતરી કરવામાં આવે તો મહિલાઓ રોજના ૧પપ૦૦ અને પુરૂષો ૧૭૦૦૦ થી પણ વધારે ડગલા ચાલતા હતા.

બીજો અભ્યાસ અમેરિકન ઓબેસીટી જર્નલમાં પ્રગટ થયો હતો જેમાં બ્રિટનના ૧૧૧ પોસ્ટમેનોનો એકટીવીટી ટ્રેકર સાથે એક અઠવાડીયા સુધી તે કેટલું ચાલે છે અને કેટલીવાર ઉભા રહે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો ૧પ૦૦૦ અથવા તેનાથી વધારે ડગલા ચાલતા હતા તેમને હૃદયરોગનું જોખમ લગભગ ન હોવા બરાબર હતું. આ અભ્યાસના સહલેખક અને સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સીટીના હયુમન ન્યુટ્રીશનના એરપર્સન માઇક લીન કહે છે કે લાખો વર્ષોથી આપણે ચાલતા જ હતા. જે લોકો સીધા ઉભા રહે છે અને ચાલે છે તેના હૃદય બેસી રહેતા લોકો કરતા તંદુરસ્ત હોય છે.

જો કે લેખકો એમ પણ કહે છે કે ૧પ૦૦૦ કે તેનાથી વધારે ડગલા ચાલવા માટે લગભગ સાડા ત્રણ કલાક જેવો સમય જોઇએ. જે અત્યારના સમયમાં કાઢવો અઘરો પડી જાય છે. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:31 pm IST)