Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

એસીડીટીથી હેરાન છો? તો આ જરૂર વાંચજો

ચોમાસામાં કંઈક ચટપટુ,  તળેલુ અને ભારે ખાવાનું મન થાય છે. પરંતુ, આવો ખોરાક તમારા પાચનતંત્ર ઉપર વિપરીત અસર પાડે છે. કયારેક તેના કારણે તમને એસીડીટીનો પણ સામનો કરવો પડે છે. મોટા ભાગના લોકો એસીડીટી થતા દવાનું સેવન કરે છે. પરંતુ, વધારે પડતી દવા સ્વાસ્થ્યને નુકશાન કરે છે. તો જાણો એસીડીટી દૂર કરવાના ઉપાય.

વરીયાળીની મદદથી તમે એસીડીટીની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. જ્યારે પણ તમને પેટમાં ગેસ થવાનો અહેસાસ થાય તો મોઢામાં થોડી વરીયાળી રાખો. ઉપરાંત રાત્રે થોડી વરીયાળી પાણીમાં નાખીને રાખો. સવારે તે પાણી પી લેવુ, જેનાથી એસીડીટીમાં રાહત મળશે.

લવિંગ એક ખૂબ જ અસરકારક ઔષધિ છે અને મોટા ભાગે બધાના રસોડામાં તેનો ઉપયોગ થતો જ હોય છે. જો તમે એસીડીટીથી હેરાન છો તો લવિંગ મોઢામાં રાખી તેને ધીમે ધીમે ચાવવાથી થોડી વારમાં જ રાહત મળી જશે.

એલચી પેટના ગેસની સમસ્યાથી છૂટકારો અપાવે છે. એસીડીટીને દૂર કરવા માટે ૨ એલચી લઈ પાણીમાં ઉકાળી લો. પાણી ઠંડુ થઈ જાય પછી પીવુ.

ફુદીનો પણ એસીડીટીમાંથી રાહત અપાવે છે. મોટા ભાગના લોકો ગરમીમાં પેટને ઠંડુ રાખવા માટે ફુદીનાનો ઉપયોગ કરે છે. તે પેટ સંબંધી સમસ્યાઓથી રાહત અપાવે છે.

 

(9:41 am IST)