Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચુસ્ત સુરક્ષા સાથે થાઇલેન્ડમાં શરૂ થઇ શાળાઓઃ જોવા મળ્યો અલગ જ અંદાજ

લોકડાઉનના કારણે ત્રણ મહિનાથી બંધ સ્કૂલો ફરી ખુલી છે. સ્કૂલો ખુલતાં થાઈલેન્ડના લાખો બાળકો વર્ગમાં પહોંચ્યા છે. આમ તો થાઈલેન્ડમાં મે મહિનાના મધ્યમાં સ્કૂલો ખુલવાની હતી પરંતુ કોરોના વાયરસના ફેલાવાને જોતાં સરકારે બંધ જ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે જયારે ફરીથી બાળકો સ્કૂલે પહોંચ્યા છે ત્યારે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. બેંગકોકની નજીક આવેલા Pathum Thaniના સેમકોક (Samkhok) સ્કૂલ ફરીથી શરૂ થઈ છે. બાળકોને સ્કૂલે પહોંચાડવા માટે ખાનગી બસોનો કાફલો તૈયાર કરાયો છે જેથી તેમણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ના આવવું પડે. આ સ્કૂલ નોર્થ બેંગકોકથી લગભગ ૫૦ કિમી (૩૧ માઈલ)ના અંતરે આવેલી છે. સ્કૂલો શરૂ કરાઈ તેના પહેલા ૧૫ દિવસ માટે બાળકોને ઘરમાં જ સેલ્ફ-કવોરન્ટીન થવાનું કહેવાયું હતું. તકેદારીના ભાગરૂપે સ્કૂલે આ સૂચના આપી હતી, તેમ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે. અહેવાલ અનુસાર, બાળકો સ્કૂલે પહોંચ્યા ત્યારે શિક્ષકોએ તેમને ફેસ માસ્ક આપ્યા હતા અને તે પહેરવા ફરજિયાત છે. કેટલીક એકિટવિટી દરમિયાન બાળકોની ખાસ કાળજી રાખવા માટે તેમને ફેસ શિલ્ડ પણ આપવામાં આવે છે. આ સિવાય Samkhok સ્કૂલે વર્ગમાં દરેક ડેસ્કની ફરતે સ્ક્રીન લગાવી છે. જેથી દરેક બાળક અલાયદું રહે. બાળકની ફરતે બોકસ જેવી વ્યવસ્થાને કારણે કલાસરૂમ મતદાન મથક જેવો લાગે છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ભાગ પાડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, બાળકોના ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. સાથે જ ફેશિયલ રિકોગ્નિશન સ્કેનર દ્વારા બાળકના વાલીને ઓટોમેટિક સંદેશો મોકલી દેવાય છે. સ્કૂલના એક વિદ્યાર્થીએ કહ્યું, 'બોકસની પાછળ રહીને અભ્યાસ કરવાનું ગમે છે. બોકસના કારણે સ્કૂલે આવ્યા પછી પણ હું સુરક્ષિત મહેસૂસ કરું છું.' તો અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે, સુરક્ષાની દ્રષ્ટિએ આ બોકસ સારા છે પરંતુ મર્યાદિત દ્રશ્ય જોઈ શકાતા હોવાથી કયારેક મજા નથી આવતી.

(3:38 pm IST)