Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ડાયાબિટીઝના બે નહીં, પાંચ પ્રકાર ગણવા જોઈએ

પાંચ પ્રકાર પાડવાથી દરદીની સારવાર અસરકારક રીતે થઈ શકે એમ છે

લંડન, તા.૩: આપણે અત્યાર સુધી બે પ્રકારના ડાયાબિટીઝ વિશે સાંભળ્યું છે. એક છે ટાઈપ- વન ડાયાબિટીઝ કે જે મોટા ભાગે બાળપણથી જ જોવા મળે છે અને બીજો પ્રકાર છે. ટાઈપ-ટૂ ડાયાબિટીઝ એ છે મોટી ઉંમરે પેન્ક્રિયાસની તકલીફ કે શરીરની ઈન્સ્યુલિન વાપરવાની સિસ્ટમમાં ગરબડ થવાને કારણે થતી સમસ્યા. જોકે નવા યુરોપિયન અભ્યાસનું કહેવું છે કે ડાયાબિટીઝના માત્ર બે જ પ્રકાર નથી, એની ગંભીરતાને આધારે પાંચ પ્રકાર પડવા જોઈએ. આમ પાંચ પ્રકાર પાડવાથી દરદીની સારવાર અસરકારક રીતે થઈ શકે એમ છે.

સ્વીડનના નિષ્ણાતોએ લેટેસ્ટ લેન્સેટ ડાયાબિટીઝ એન્ડ એન્ડોક્રાઈનોલોજી નામની જર્નલમાં આ રજૂઆત કરી છે. સ્વીડનની લુંડ યુનિવર્સિટીના અંતઃસ્ત્રાવી નિષ્ણાતોનું માનવું છે કે ડાયાબિટીઝની ગંભીરતા અને લક્ષણોના આધારે પાંચ અલગ પ્રકારો પાડવામાં આવશે તો દરડીને પર્સનલાઈઝડ સારવાર આપવામાં સરળતા રહેશે.

ડાયાબિટીઝના દરદીના લોહીમાં વધુ માત્રામાં ગ્લુકોઝ અને શુગર રહેલી હોય છે. વિશ્વમાં લગભગ ૪૨ કરોડ લોકો ડાયાબિટીઝ ધરાવે છે, ૨૦૨૪ની સાલ સુધીમાં આ આંકડો ૬૨.૯ કરોડ પર પહોંચે એવો ઈન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનનો અંદાજ છે. ટાઈપ- ટૂ ડાયાબિટીઝમાં ઈન્સ્યુલિન પેદા થાય છે પણ એ પૂરતું નથી હોતું કાં એ અસરકારક રીતે કામ નથી કરતું. ૧૮ થી ૯૭ વર્ષના ડાયાબિટીઝના ૧૩,૨૭૦ દરદીઓનો અભ્યાસ કરીને નિષ્ણાતોએ તારવ્યું છે કે ટાઈપ- ટૂ ડાયાબિટીઝના દરદીઓનાં લક્ષણો અને સમસ્યામાં ખૂબ વેરિએશન હોય છે. અભ્યાસકર્તાઓએ સૂચવ્યું છે કે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થવામાં ગરબડ હોય, બ્લડશુગર લેવલ ખૂબ વધુ હોય, ઉંમરને કારણે સમસ્યા થઈ હોય અને છેલ્લે રોગ અસાધ્ય થઈ ગયો હોય એમ પાંચ તબક્કાના પ્રકાર ગણવા જોઈએ. એમાંથી પહેલા બે પ્રકાર હળવા છે જયારે ત્રણ ગંભીર છે અને એની સારવારમાં પણ ચુસ્ત પગલાં લેવાં જરૂરી છે. (૩૦.૬)

(4:05 pm IST)