Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

તમારી હેસિયત કરતાં મોંઘાં કપડાં કે જવેલરી પહેરશો તો આ શહેરની પોલીસ તમને પકડશે

લંડન તા. ૩: નેધરલેન્ડ્સના રોટરડેમ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એક વિવાદાસ્પદ પાઇલટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત આ શહેરમાં ફરતી વખતે તમારાં કપડાં, જવેલરી અને એકસેસરીઝ પર પોલીસની નજર રહેશે. જે લોકો ગરીબ જેવા લાગતા હોય અને છતાં તેમના શરીર પર ડિઝાઇનર કપડાં કે મોંઘીદાટ જવેલરી હશે તો પોલીસ તેને રોકીને પુછતાછ કરશે. જો તમે પહેરેલી ચીજો કયાંથી ખરીદી, કયારે ખરીદી એ બાબતે તમે પોલીસને ગળે ઉતરે એવો જવાબ નહીં આપી શકો તો પોલીસ તમારી પાસે રસ્તા પર જ એ કપડાં અને જવેલરી ઉતરાવી શકશે. અલબત્ત, આ પ્રોગ્રામ બહુ ઓછા સમય માટે અમલમાં મુકાવાનો છે, જેથી એની અસરકારકતા કેટલી છે એનો અંદાજ માંડી શકાય. આવું કરવાનો મૂળ હેતુ એ છે કે કોઇ માણસ ચોરેલી વસ્તુ બિન્ધાસ્તપણે વાપરતા હોય તો એ બંધ થાય. સ્થાનિક પોલીસનું કહેવું છે કે તેમની ચોરેલી ઘડિયાળો કે સોનાની જવેલરી જેવી ચીજો પર સૌથી પહેલાં નજર જાય છે અને તેઓ ભાગ્યે જ કોઇનાં બ્રેન્ડેડ કપડાંને ઉતરાવે છે. સિવાય કે લોકો અત્યંત હાઇ-ફાઇ બ્રેન્ડની ચીજો પહેરીને જતા હોય. જો કે આ બાબતે ટીકાકારોની ફોજ ઉતરી પડી છે. કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસ કઇ રીતે નકકી કરી શકશે કે ફલાણી વ્યકિત તેની હેસિયત બહારની મોંઘી ચીજ પહેરીને જઇ રહી છે? કેટલાક લોકોનું કહેવું છે કે મોટા ભાગે ગોરા વર્ણના લોકો પર પોલીસ ભાગ્યે જ શંકા કરે છે. કેટલાકનું કહેવું છે કે છડેચોક કોઇ આવીને તમે પહેરેલી ચીજોનો હિસાબ માગે એ કંઇ સભ્ય સંસ્કૃતિની નિશાની નથી જ. (૭.૪ર)

(3:44 pm IST)