Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

માઇનસ ૧૭ ડિગ્રીમાં કાટમાળ નીચે ૩૬ કલાક જીવિત ૧૧ માસનું બાળક મળ્યું

મોસ્કો તા. ૩ : રશિયામાં એક શહેર છે માગ્નિતોગોર્સ્ક. આ શહેરનું તાપમાન અત્યારે દિવસે શૂન્યથી -૧૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. પરંતુ હૃદયને થીજવી દેતી ઠંડીમાં પણ ૧૧ મહિનાનું એક બાળક કાટમાળ નીચેથી મળી આવ્યું છે. ખુશીની વાત એ છે કે આ બાળક જીવિત છે.

હકીકતમાં સોમવારના રોજ શહેરમાં થયેલા ગેસ વિસ્ફોટમાં એક એપાર્ટમેન્ટ કોમ્પલેકસ પડી ગયું હતું. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ દળ મહેનત કરી રહ્યું હતું. પરંતુ આ બચાવ કામગીરી દરમિયાન બચાવ દળને એક ૧૧ મહિનાનું બાળક કાટમાળ નીચેથી મળી આવ્યું જેના શ્વાસ ચાલી રહ્યાં હતાં.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બચાવ દળને બાળકના રડવાનો અવાજ સંભળાયો અને ત્યારબાદ તેની શોધ શરુ કરવામાં આવી અને તેને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યું. આ બહાદૂર બાળકનું નામ ઈવાન છે જેની હાલત અત્યારે ગંભીર છે. તેને સારા ઈલાજ માટે રાજધાની મોસ્કો મોકલવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળક આશરે ૩૬ કલાક કાટમાળમાં દટાયેલું રહ્યું.

આ દુર્ઘટનામાં એ માસૂમને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે તેને કાટમાળમાંથી કાઢવામાં આવ્યું આવ્યું તો ખ્યાલ આવ્યો કે ઠંડીથી સુન્ન પડી ગયું છે. તો આ સાથે જ તેને માથાના ભાગે ઈજાઓ પણ પહોંચી છે અને હાથ તેમ જ પગમાં ફ્રેકચર પણ થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બાળકની માતા સુરક્ષિત છે જે પોતાના બાળકને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી.(૨૧.૫)

(10:02 am IST)