Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

બ્રિટનમાં 1.38લાખ લોકોને છે જુગારનું વ્યસન:લોકો બને છે ઓનલાઇન ગેમ્બલિંગનો શિકાર

નવી દિલ્હી: બ્રિટન દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન ગેમ્બલિંગનું બજાર છે. 9.1 બિલિયન ડૉલર એટલે કે આશરે રૂ. 73,910 કરોડનું આ બજાર ઉદાર નીતિઓના કારણે બ્રિટિશ સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયું છે. બ્રિટનના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના રિપોર્ટનો હવાલો આપીને નિષ્ણાતોએ સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે ઓનલાઈન ગેમ્બલિંગ કોરોનાથી પણ ખતરનાક મહામારી બની ગયું છે. આ રિપોર્ટ પ્રમાણે, છેલ્લાં ચાર વર્ષમાં ઓનલાઈન જુગારના વ્યસનનો શિકાર થયેલા લોકોએ કેસિનો ગેમ્સ, ઓનલાઈન સટ્ટો વગેરેમાં આશરે રૂ. દોઢ લાખ કરોડ ગુમાવ્યા છે. સરકારે જ કબૂલાત કરી છે કે બ્રિટનમાં 1.38 લાખને તો જુગારનું ખતરનાક વ્યસન છે. આ ઉપરાંત 11થી 16 વર્ષનાં 36 હજાર બાળક પણ તેનો ભોગ બની ચૂક્યાં છે. સરકારી આંકડા પ્રમાણે આશરે 400 લોકોએ જુગારના કારણે આત્મહત્યા કરી છે. અનેક લોકોનાં લગ્નો પણ તૂટી રહ્યાં છે. દેવાળિયા લોકોની સંખ્યા વધવાથી લોકો બેઘર પણ થઇ રહ્યા છે અને ગુનાખોરી પણ વધી રહી છે. ઓનલાઈન ગેમ્બલિંગનાં દુષ્પરિણામો હજુ અત્યારે સામે આવ્યા છે એવું પણ નથી. છ વર્ષ પહેલા 64 વર્ષીય સ્ટીવર્ટ કેનીએ જુગારને ખતરનાક દુષણ માનીને ‘પેડી પાવર’ નામની ઓનલાઈન ગેમ્બલિંગ કંપનીના સહ-સ્થાપક તરીકેનો હોદ્દો પણ છોડી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મને શરમ આવે છે કે, મારા કારણે લોકપ્રિય થયેલી ઓનલાઈન ગેમ્બલિંગ ગેમ્સ હવે લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરી રહી છે. જુગારના વધતા વ્યસન માટે હું પણ જવાબદાર છું.’

(5:31 pm IST)