Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

આફ્રિકન દેશ જિબુતીમાં ચીને સૈન્ય મથક સ્થાપ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીન તેની હરકતોથી ક્યારેય સુધરશે નહિ તેવું લાગી રહ્યું છે. તે સતત ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે અમેરિકન અધિકારીઓએ ચીનને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોનના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીને આફ્રિકન દેશ જિબુટીમાં પોતાનું સૈન્ય મથક સ્થાપિત કર્યું છે. ચીનના આ પગલાથી હિંદ મહાસાગરમાં ભારત સામે ગંભીર પડકારો ઉભા થવાની ભીતિ છે. પેન્ટાગોનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2016થી ચીન જીબુટીમાં સૈન્ય મથક બનાવી રહ્યું છે. આ સૈન્ય મથક આ વર્ષથી કાર્યરત થઈ ગયું છે. ચીન અહીં મોટા પાયે એરક્રાફ્ટ કેરિયર, યુદ્ધ જહાજ, સબમરીન તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. જીબુટીમાં ચીનના સૈન્ય મથકની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં યુઝાઓ ક્લાસનું લેન્ડિંગ શિપ જોવા મળ્યું હતું. કહેવાય છે કે, આ જહાજમાં મોટા પાયે ટેન્ક, ટ્રક અને અન્ય હથિયારો લગાવી શકાય છે. આ જહાજ જમીન અને હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. નિષ્ણાંતોના મતે જીબુટીમાં સૈન્ય મથક વ્યૂહાત્મક રીતે ખૂબ જ ખાસ છે. આનાથી હિંદ મહાસાગરથી દક્ષિણ ચીન સાગર સુધી ચીનની દરિયાઈ શક્તિનો વિસ્તાર થશે. આ સાથે ચીન અહીંથી વિશ્વની સૌથી વ્યસ્ત જળમાર્ગ સુએઝ કેનાલ પર પણ નજર રાખી શકશે, જે વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સપ્તાહની શરૂઆતમાં ચીને દક્ષિણ એશિયાના તમામ દેશો સહિત હિંદ મહાસાગર ક્ષેત્રના 19 દેશો સાથે બેઠક યોજી હતી. ખાસ વાત એ છે કે, આ બેઠકમાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બેઠક વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રમાં બેઈજિંગના વધતા પ્રભાવ અને મુખ્ય દરિયાઈ વેપાર માર્ગની નવીનતમ નિશાની છે. આ બેઠકમાં ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાન, દક્ષિણ આફ્રિકા, કેન્યા, મોઝામ્બિક, તાંઝાનિયા, સેશેલ્સ, મેડાગાસ્કર, મોરેશિયસ, જીબુટી અને ઓસ્ટ્રેલિયા સહિત 19 દેશો અને ત્રણ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક યુનાન પ્રાંતના કુનમિંગમાં વહેંચાયેલ વિકાસ દરિયાઈ અર્થતંત્રના સિદ્ધાંત પર આધારિત હાઇબ્રિડ ડાયરેક્ટ-ઓનલાઈન મોડમાં યોજાઈ હતી.

(5:29 pm IST)