Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સોશ્‍યલ મીડિયા ઉપર ચોંકાવનારો વીડિયો વાયરલઃ 50 ફૂટનો એનાકોન્‍ડા નદી પાર કરતો જોવા મળ્‍યોઃ જો કે જુનો વીડિયો હોવાની ચર્ચા

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ચોંકાવનારો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે આ વીડિયો બ્રાઝિલનો છે જ્યાં 50 ફૂટનો એનાકોન્ડા નદી પાર કરતો જોવા મળ્યો. દાવો કરાયો છે કે આ વીડિયો બ્રાઝિલની જિગુ નદીનો છે. પરંતુ શું ખરેખર સાચું છે?

આ વીડિયો પહેલીવાર સામે આવ્યો નથી. 2 વર્ષ પહેલા પણ આવો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. 50 ફૂટ લાંબો એનાકોન્ડા નદીમાં તરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

50 ફૂટથી વધુ લાંબો એનાકોન્ડા

આ વીડિયોને 'ધ ડાર્ક સાઈટ ઓફ નેચર'ના ટ્વિટર એકાઉન્ટથી રીપોસ્ટ કરાયો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે 50 ફૂટથી વધુ લાંબો એનાકોન્ડા, બ્રાઝિલની જિંગુ નદીમાં જોવા મળ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિશાળ સાંપ નદી પાર કરતો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે આ એનાકોન્ડાની લંબાઈ 50 ફૂટથી વધુ છે. પરંતુ આ વીડિયો સંપૂર્ણ સાચો નથી. હકીકતમાં વેબસાઈટ ધેટ્સ નોનસેન્સના જણાવ્યા મુજબ આ વીડિયો જૂનો છે, 2018માં યુટ્યૂબ પર 'જાયન્ટ એનાકોન્ડા ક્રોસિંગ ધ રોડ' ના નામથી તેને અપલોડ કરાયો હતો.

દાવો સંપૂર્ણ રીતે ખોટો

50 ફૂટ લાંબા એનાકોન્ડાનો દાવો કરી રહેલા આ વીડિયોને સ્ટ્રેચ કરવામાં આવ્યો છે. વીડિયોના ડાઈમેન્શન ચેન્જ કર્યા બાદ વાસ્તવમાં તે મોટો હોય તેના કરતા પણ વધુ મોટો જોવા મળે છે. સમાચાર વેબસાઈટ ખોએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ વીડિયો 2018નો છે. આથી 50 ફૂટના એનાકોન્ડાનો આ દાવો સાવ ખોટો સાબિત થાય છે.

 

(4:32 pm IST)