Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સેનામાં ભરતી ન થવું પડે એ માટે ર૪ વર્ષનો યુવક ૮૧ વર્ષની વૃધ્ધા સાથે પરણી ગયો

મોસ્કો તા. ર : કહેવાય છે કે દેશની સેવા કરવી એ દરેક સુખમાંનું સૌથી શ્રેષ્ઠ સુખ છે. જેમ કે દેશની સેનામાં ભરતી થઇને દેશની સેવા કરવી. આમ કરીને તમે દેશ માટે ઉત્તમ સેવા કરી શકો છો. પરંતુ એક છોકરાએ સેનામાં ભરતી ન થવું પડે એટલે પોતાની દાદીની ઉંમરની વ્યકિત સાથે લગ્ન કરી લીધા. આ જાણીને તમને પણ ખૂબ નવાઇ લાગશે. આ ચોંકાવનારો કિસ્સો યુક્રેનનો છે. એક અહેવાલ મુજબ આ વયોવૃધ્ધ વ્યકિત યુવકની કઝીન છે.

યુક્રેનમાં વિનિત્સા શહેરમાં રહેતા એલેકઝેન્ડર કોન્ડ્રાટયુક નામની વ્યકિતએ સેનામાં ભરતી થવા બચવા માટે પોતાની ૮૧ વર્ષની દાદીની ઉંમરની કઝીન સાથે લગ્ન કરી લીધા. છોકરાની ઉંમર ર૪ વર્ષ છે. વાત જાણે એમ છે કે યુક્રેનમાં ૧૮ વર્ષથી લઇને ર૬ વર્ષની વચ્ચેની દરેક વ્યકિતએ સેનામાં સેવા આપવી જરૂરી છે. આ ઉંમરના દરેક યુવકે એક વર્ષ સેનામાં વિતાવવાનો હોય છે, પરંતુ એલેકઝેન્ડર આમ કરવા માગતો નહોતો. આથી તેણે તેની દાદી સાથે જ લગ્ન કરી લીધા.

આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ એલેકઝેન્ડરની આકરી ટીકાઓ થઇ રહી છે. પરંતુ તેણે જે કર્યુ તે ત્યાંના કાયદાને જોઇએ તો બરાબર છે. વર્ષ ર૦૧૭ માં આ છોકરાને સેનામાં ભરતી થવા માટે એક પત્ર આવ્યો, પરંતુ રિપોટર્સ મુજબ સેનામાં ભરતી થવામાં છૂટ ત્યારે જ મળી શકે જયારે તેના ઉપર કોઇ દિવ્યાંગ વ્યકિતની દેખભાળની જવાબદારી હોય. આવામાં એલેકઝેન્ડરે પોતાની એક પિતરાઇ બહેનની દાદી જિનાઇડાને લગ્નનો પ્રસ્તાવ મૂકયો અને તે માટે તેમને રાજી પણ કરી લીધા. તે જયારે રર વર્ષનો હતો અને દાદી ૭૯ વર્ષના હતા ત્યારે તેમણે લગ્ન કરી લીધા. આ સમગ્ર મામલે જયારે તપાસ કરવામાં આવી તો સ્પષ્ટ થયું કે ખરેખર તેમના લગ્ન થયા છે.

(11:42 am IST)