Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

એક સમયના દુશ્મનને ઇઝરાયલ વેચશે ડિફેન્સ સિસ્ટમ

નવી દિલ્હી: ચારે તરફ દુશ્મનો વચ્ચે ઘેરાયેલુ ટચૂકડુ ઈઝરાયેલ અત્યાધુનિક હથિયારો બનાવવામાં મોખરે છે. ઈઝરાયેલે એવી અત્યાધુનિક એર ડિફેન્સસ સિસ્ટમ બનાવી લીધી છે કે, જેને ભેદવાનુ દુશ્મન દેશના વિમાનો, ડ્રોન અને મિસાઈલ માટે અત્યંત મુશ્કેલ થવાનુ છે. આ એર ડિફેન્સ લેસરથી સંચાલિત છે અને તેને આયરનબીમ નામ આપવામાં આવ્યુ છે. મહત્વની વાત એ છે કે, ઈઝરાયેલ પોતાની આ સિસ્ટમને એક સમયના કટ્ટર દુશ્મન રહેલા એક આરબ દેશને સૌથી પહેલા વેચવા જઈ રહ્યુ છે. કારણકે ઈઝરાયેલ અને આરબ દેશો માટે હવે ઈરાન દુશ્મન નંબર વન બની ગયુ છે અને ઈઝરાયેલ તથા આરબ દેશો વચ્ચેના સબંધો વધારે સારા થઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે આયરન બીમ સિસ્ટમ ઈઝરાયેલ સાઉદી અરબને વેચશે. જોકે આ પહેલા તે પોતાના મિત્ર અમેરિકાને વિશ્વાસમાં લેશે અને અમેરિકાની હા આવ્યા બાદ સાઉદી અરબને આ સિસ્ટમ આપશે. જેથી અમેરિકા અને ઈઝરાયેલની વર્ષો જુની મિત્રતામાં ખટરાગ ના સર્જાય. ઉલ્લેખનીય છે કે, આયરનબીમ સિસ્ટમનો વિડિયો બે મહિના પહેલા તત્કાલિન પીએમ નફટાલી બેનેટે શેર કર્યો હતો. લેસર પર આધારિત આ સિસ્ટમ લેસર કિરણો વડે દુશ્મનના ડ્રોન, મિસાઈલ કે મોર્ટાર અને વિમાનનો ખાતમો કરી શકે છે.

(5:57 pm IST)