Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વુહાનમાં ફરીથી કોરોનાએ ઉછાળો માર્યો:લોકડાઉનની આશંકા

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાઇરસ ફેલાવવાનો આરોપ સહન કરી રહેલા ચીનના વુહાનમાં ફરી કેસ વધવા લાગ્યા છે. લગભગ સવા કરોડની વસતી ધરાવતા વુહાનમાં ગુરુવારે રેકોર્ડ 127 નવા કેસ નોંધાયા હતા. એવામાં લૉકડાઉનની આશંકા ફરી વધી ગઈ છે. ચીને તેનાં બે મોટાં શહેરો શાંઘાઈ અને બૈજિંગમાં એક જૂને જ લૉકડાઉન હટાવ્યું હતું. ચીનમાં ઝીરો કોવિડ નીતિ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઇ રહી છે. એક મહિનામાં પહેલીવાર વુહાન અને તેના અનુહી શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે. અનુહીમાં હજુ પણ મોટા ભાગની વસતી લૉકડાઉનમાં છે. ચીનમાં હજુ પણ ઝીરો કોવિડ નીતિ હેઠળ એક પણ કેસ આવતા દર્દીને હોસ્પિલમાં દાખલ કરાય છે. સાથે જ સમગ્ર ક્ષેત્રમાં માસ ટેસ્ટિંગ અભિયાન હાથ ધરાય છે. વુહાનમાં પણ માસ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આશંકા છે કે વુહાનમાં મર્યાદિત લૉકડાઉન ફરી અમલી બની શકે છે. વુહાનની લેબથી કોરોના વાઈરસ લીક થવા વિશે તપાસ પણ કરાઈ હતી. ડબ્લ્યુએચઓ વતી વુહાન એક ટીમ પણ મોકલાઈ હતી પણ કોઇ મજબૂત પુરાવા મળ્યા નહોતા. હજુ પણ આ દિશામાં દુનિયાભરના વિજ્ઞાનીઓ તપાસ કરી રહ્યા છે. આમ પણ ચીનની કમ્યુનિસ્ટ સરકાર વુહાનથી વાઈરસ લીકની થિયરીને સત્તાવાર રીતે નકારતી રહી છે.

(5:59 pm IST)