Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ટૂથપેસ્ટ ગળી જવાની આદત હોય તો કોલાઇટિસ કે કેન્સર જેવા રોગો થઇ શકે

નવી દિલ્હી, તા.૨: દાંત સાફ રાખવા અને મોમાંના બેકટેરિયાને દૂર કરવા માટે ટૂથપેસ્ટમાં ટ્રાઇકલોસન નામનું એન્ટિ-બેકટેરિયલ અને એન્ટિ-ફંગલ એજન્ટ હોય છે. આ કેમિકલને કારણે ઉંદરોના આંતરડાંની અંતઃત્વચામાં સોજો આવતો હોવાનું જોવા મળ્યું છે. લાંબો સમય આ કેમિકલના સંસર્ગથી આંતરડામાં કેન્સર થયાનું રિસ્ક પણ વધે છે. ટ્રાઇકલોસન કેમિકલ સાબુ અને શેમ્પુમાં પણ હોય છે. પરંતુ ટૂથપેસ્ટ દ્વારા એ મોંમાંથી ડાયરેકટ પેટમાં જઇ શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેસેચુસેટસના નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રાઇકલોસન કેમિકલ આંતરડાંના સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે એનો અંદાજ પહેલવહેલી વાર ઉંદરો પર લાંબા ગાળાનો પ્રયોગ કરીને આવ્યો છે. આ પહેલાંના અભ્યાસોમાં આ કેમિકલ શરીરમાં ઝેરી અસરો પેદા કરે છે એવું પુરવાર થયું હતું. પરંતુ એની ગંભીરતા કેટલી છે એ બાબતે સ્પષ્ટતા નહોતી. સંશોધકોનું કહેવું છે કે ટ્રાઇકલોસન કેમિકલ ખૂબ ઓછા પ્રમાણમાં લગાતાર ત્રણ વીક સુધી પેટમાં જાય તો એનાથી આંતરડાની ત્વચામાં કોનિક સોજો આવે છે. જો આંતરડાંની હેલ્થ પહેલેથી જ સારી ન હોય તો ચાંદા પડવા કે ગાંઠ ડેવલપ થવાની સંભાવન વધી જાય છે.

જે લોકોને ઓલરેડી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા તો કોલન-કેન્સર હોય છે તેમને રોગનાં લક્ષણો વકરે એવી સંભાવના વધે છે. ટૂંકમાં તમે જે ટૂથપેસ્ટ વાપરો છો એમાં ટ્રાઇકલોસન છે કે કેમ એની તપાસ કરવી બહુ જ જરૂરી છે. પેસ્ટનો સ્વાદ ભાવતો હોવાથી ગળી જવાની આદત ધરાવતાં બાળકોને આ રિસ્કથી ચેતવવાં જરૂરી છે.

(11:34 am IST)