Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ટોઇલેટ-વેરો ભરવાનું યાદ અપાવવા યુટિલિટી કંપની ઘરની બહાર લાકડાનું ટોઇલેટ મૂકી જાય છે

મોસ્કો, તા.૨:- તમે જે સરકારી સુવિધા વાપરતા હો અને એ સુવિધાનો વેરો સમયસર ન ભરો તો એ સુવિધા મળતી બંધ થઇ જાય છે. જોકે રશિયાના ઇર્કુત્સક નામના શહેરમાં પબ્લિક યુટિલિટી કંપનીએ લોકોને ટોઇલેટ-વેરો ભરવાનું યાદ દેવડાવવા માટે અનોખો રસ્તો શોધ્યો છે. ગયા નવેમ્બર મહિનામાં કંપનીએ લાકડાનાં કેબિન-ટોઇલેટ બનાવડાવ્યાં છે. અને અવારનવાર યુટિલિટી બિલ ભરવામાં મોડું કરતા લોકોના અપાર્ટમેન્ટની બહાર મૂકી આવવાનું શરૂ કર્યું છે. આ વુડન ટોઇલેટની સાથે નોટિસ મૂકેલી હોય છે. કે જો તમે બાકી બિલ જદલીથી ચૂકવી નહીં દો તો ઘરનું ટોઇલેટ બંધ થઇ જશે અને તમારે આ પબ્લિક ટોઇલેટ વાપરવાની નોબત આવશે. આડકતરી ધમકી આપીને લોકોને સમયસર યુટિલિટી બિલ્સ ભરતા કરી દેવાનો કંપનીનો આ રસ્તો અસરકારક પણ બન્યો છે. અવારનવાર લાકડાનું ટોઇલેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતું રહે છે. જે વિસ્તારમાં લોકો બિલ ભરવામાં ઠાગાઠૈયા કરતા હોય તેમને પાઠ ભણાવવા માટે પબ્લિક યુટિલિટી કંપનીનો આ નુસખો અસરકારક તો છે, પણ લોકો એને બહુ શરમજનક કહીને વખોડી પણ રહ્યા છે.

(3:33 pm IST)