Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કયુબાઃ ફિદેલ કાસ્ત્રોના દીકરાએ કરી આત્મહત્યા, ન્યુકિલઅર સાયન્ટિસ્ટ હતા

લંડન તા. ૨ : કયુબાના કરિશ્માઇ નેતા રહી ચૂકેલા દિવંગત ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા દિકરા ફિદેલ એન્જલ કાસ્ત્રો ડિયાજ બલાર્ટ એ ગુરૂવારના રોજ હવાનામાં આત્મહત્યા કરી લીધી. કયુબાના મીડિયામાં આવેલા સમાચારો મુજબ તેઓ ડિપ્રેશનના શિકાર હતા અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. ૬૮ વર્ષના ફિદેલ એન્જલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટને પ્રેમથી લોકો ફિદેલિતો પણ કહેતા હતા.

તેઓ વ્યવસાય એ ન્યુકિલઅર સાયન્ટિસ્ટ હતા. તેમણે સોવિયત યુનિયનમાં અભ્યાસ કર્યો હતો. કયુબાની એક ન્યૂઝ વેબસાઇટ કયુબાડિબેટ એ ઘટનાની માહિતી આપતા લખ્યું છે, 'ડિયાઝ બલાર્ટ જેમની ડિપ્રેશનના લીધે કેટલાંય મહિનાઓથી સારવાર ચાલી રહી હતી, તેમણે આજે સવારે સુસાઇડ કરી લીધું.'

ઉલ્લેખનીય છે કે ડિયાઝ બલાર્ટના પિતા અને કોમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોએ કયુબામાં એક લોકપ્રિય કોમ્યુનિસ્ટ સરકારની રચના કરી હતી ત્યારબાદ તેઓ કેટલાંય દાયકાઓ સુધી અમેરિકાની આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા. અમેરિકન સરકાર એ કેટલીય વખત તેમને મારવાની કોશિષ પણ કરી, પરંતુ તેઓ સફળ થઇ શકયા નહીં. નવેમ્બર ૨૦૧૬મા ફિદેલ કાસ્ત્રોનું નિધન થયું હતું.

(4:10 pm IST)