Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

હવામાનની અસર પશુપાલકોના રોજગાર પર પણ પડી:ઊનનું ઉત્પાદન થયું ઓછું

નવી દિલ્હી: લેહ- લદાખના લેહ જિલ્લામાં ચાંગથાંગના ઉચ્ચ પ્રદેશમાં પશ્મીના ઉન આપતી ચાંગરા બકરીઓ ખૂબ મોટા પાયે જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્રની સપાટીથી 15 હજાર ફૂટની ઊંચાઈએ છે. શિયાળામાં અહીં ચોતરફ બરફ હોય છે. ત્યારે તાપમાન માઈનસ 36 ડિગ્રીએ પહોંચી જાય છે. આ ચાંગબા કબાઈલી ગામોમાંનું એક છે, ખર્ણાક. અહીંના લોકો દુર્લભ ચાંગરા બકરીઓ પાળે છે, જે પશ્મીના ઉન આપે છે. જોકે, આ બકરીઓ પર પણ ક્લાઈમેટ ચેન્જની અસર થઈ રહી છે. તેને પાળનારા લોકોના મતે, બદલાતા હવામાનથી બકરીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી છે. તે સતત બીમાર થઈ રહી છે, જેનાથી ઉનની ગુણવત્તા અને ઉત્પાદકતા પર અસર પડી છે. સ્થાનિક નિવાસી ત્સેતન પાઝોર કહે છે કે હવામાને અમારી બકરીઓના ચારા માટે ઘાસ પણ નથી છોડ્યું.

કબાઈલોના 65 વર્ષીય મુખી ત્સેરિંગ ફુંત્સોગ કહે છે કે, છેલ્લા એક દસકામાં તાપમાન વધ્યું છે અને વરસાદ ઘટ્યો છે. વરસાદની ઋતુમાં હવામાન સૂકું રહે છે અને હિમવર્ષાની ઋતુ પણ ઝડપથી જતી રહે છે. વિજ્ઞાનીઓના મતે, ક્લાઈમેટ ચેન્જના કારણે હિમવર્ષા થવા છતાં શિયાળો પહેલાં કરતાં ગરમ છે. તેનાથી પશ્મીના ઉન આપતી બકરીઓનું આરોગ્ય કથળ્યું છે. ગરમ તાપમાનમાં બકરીઓના વાળ લાંબા નથી થઈ શકતા. તેના કારણે બકરીઓમાંથી નરમ ઉન નથી મળતું.

 

(6:04 pm IST)