Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

જાપાનમાં વિનાશક તોફાન ‘ત્રામી’નો કહેર: 1000 ફ્લાઈટ કેન્સલ:સાડા ત્રણ લાખ લોકોને અસર:ટ્રેન સેવા બંધ કરાઈ

તોફાની પવન, આંધી અને મુશળધાર વરસાદથી ભૂસ્ખલન અને પૂરનો ખતરો ઊભો થશે;હવામાન વિભાગની ચેતવણી

ટોકિયો: જાપાનમાં વિનાશક તોફાન ત્રામીના કહેરથી ૧૦૦૦ ફ્લાઈટ રદ કરી છે ટોકિયો સહિતના અનેક વિસ્તારોમાં મોટા ભાગની ફ્લાઈટ અને ટ્રેનસેવા બંધ કરી દેવાઈ છે તોફાન ત્રામી ઝડપભેર જાપાનના મુખ્ય ભૂ-ભાગ તરફ આગળ વધી રહ્યું છે.

  હવામાન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે તોફાની પવન, આંધી અને મુશળધાર વરસાદથી ભૂસ્ખલન અને પૂરનો ખતરો ઊભો થશે. દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા જાપાનમાં ત્રામીએ તબાહી મચાવી દીધી છે.

  પશ્ચિમી જાપાનમાં બુલેટ ટ્રેનની તમામ સેવાઓ રોકી દેવામાં આવી છે અને ૧૦૦૦ ફ્લાઈટ તાત્કાલિક ધોરણે રદ કરી દેવામાં આવી છે. તોફાન ત્રામીની અસર હેઠળ સમગ્ર દક્ષિણ પશ્ચિમ જાપાન આવી ગયું છે અને તેના કારણે દક્ષિણ મુખ્ય દ્વીપ ક્યૂશૂના મિયાજાકીમાં પૂરસંકટ ઊભું થયું છે.

  સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેલિવિઝન ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે ઓકીનાવામાં હવા અને આંધીનો પ્રકોપ સૌથી વધુ છે. આ તોફાનમાં અનેક કારો પણ પલટી જતી જોવા મળી છે. ૩૮થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

  સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે શિકોકૂ દ્વીપના તોકુશિમા શહેરમાં સાડા ત્રણ લાખ લોકોને ત્યાંથી હટાવવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ જાપાનમાં પ૧ જેટલા લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો મળ્યા છે.

ટોકિયોના નરીટા અને હાનેડા સહિત સમગ્ર જાપાનમાં મુખ્ય એરપોર્ટથી અનેક ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. શનિવારથી શરૂ થયેલા ત્રામીના કહેરથી દક્ષિણ દ્વીપ ઓકિનાવામાં વીજળીના તાર તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે.

સરકારી પ્રસારણકર્તા એનએચકેના જણાવ્યા અનુસાર અધિકારીઓએ અંદાજે સાડા ત્રણ લાખ જેટલા લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા માટે જણાવ્યું છે અને અંદાજે ત્રણ લાખથી વધુ ઘરનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

જાપાનમાં ખરાબ હવામાનના કારણે ગવર્નરની ચૂંટણી પણ પ્રભાવિત થઈ છે. તોફાનના કારણે અનેક મતદાન કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નાહાથી ૮૦ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ કિનારે શરૂ થયેલું ત્રામી તોફાન પ્રશાંત મહાસાગરમાં આ સિઝનનું ર૪મું તોફાન છે, જે સૌથી શક્તિશાળી સ્તરનું હોવાનું કહેવાય છે.

કાગોશિમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારી મસાકી તમાકીએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારના લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલની સ્થિતિ જોતાં આગામી ર૪ કલાક આ વિસ્તાર માટે નિર્ણાયક રહેશે.

ત્રામી તોફાન તટ પર ટકરાયું ત્યારે ર૧૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક ઘર આ તોફાનમાં ઊડી ગયા હતા અને ઘણા લોકોને ઈજાઓ થઈ હતી. હવામાન વિભાગની ચેતવણી બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યું છે અને તેઓ સતત બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે.

(5:16 pm IST)