Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

પાકિસ્તાનમાં અરાજકતાઃ ઇમરાને નાન-રોટીનાં ભાવ ઘટાડવા આદેશ આપવો પડયો

ઈસ્લામાબાદ, તા.૧: પાકિસ્તાનમાં સામાન્ય ખાદ્યચીજવસ્તુઓની કિંમત આસમાને પહોંચી ગઈ છે ત્યારે એને કાબૂમાં લાવવા માટે વડાપ્રધાન ઈમરાન ખાને મોટો આદેશ જારી કર્યો છે. એમણે આખા દેશમાં નાન અને રોટીની કિંમત ઘટાડી દેવાનો તંદૂરવાળાઓ અને હોટેલ ઉદ્યોગવાળાઓને આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં નાન અને રોટીના ભાવ એકદમ વધી ગયા હોવાથી વડાપ્રધાન ઈમરાન ખાને એની ગંભીર નોંધ લીધી છે અને આ બંને ચીજના ભાવ તાત્કાલિક રીતે એના પાછલા ભાવે લાવી દેવાનો હોટેલ ઉદ્યોગવાળાઓને આદેશ આપ્યો છે. ઈમરાન ખાને એમના અધ્યક્ષપદ હેઠળ બોલાવવામાં આવેલી પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લીધો હતો કે દેશભરમાં નાન અને રોટીના ભાવ એના જૂના ભાવે પાછા લાવી દેવા. દેશભરમાં ગેસનાં ભાવ વધી જતાં નાન અને રોટીનાં ભાવ પણ વધી ગયા છે. એટલે ઈમરાન ખાને એમની કેબિનેટની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીની પણ બેઠક બોલાવી હતી. જેનો ઉદ્દેશ્ય તંદૂરવાળાઓ માટે નક્કી કરાયેલા ગેસનાં ભાવ ઘટાડવા તેમજ નાન અને રોટી માટે વપરાતા ઘઉંના લોટ પરની જકાતો ઘટાડવાનો છે. પાકિસ્તાનમાં હાલ જુદા જુદા દેશોમાં એક નાન રૂ.૧૨થી રૂ.૧૫ના ભાવે વેચાય છે. ઘઉંના લોટના ભાવ તેમજ ગેસના ભાવ વધારવામાં આવ્યા એ પહેલાં નાનની કિંમત રૂ. ૮થી ૧૦ની વચ્ચે રહેતી હતી. એવી જ રીતે, પ્રત્યેક રોટી રૂ. ૧૦-૧૨ના ભાવે વેચાય છે, જે આની પહેલાં રૂ. ૭-૮માં વેચાતી હતી.

(4:22 pm IST)