Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

પાકિસ્તાનના 19 હજાર કરોડના દેવા સામે ચીન ગિલગિટ પર કરી શકે છે કબ્જો

નવી દિલ્હી: દેવાળિયા થવાની અણીએ પહોંચેલા પાકિસ્તાને ચીન પાસેથી લીધેલી 19 હજાર કરોડ રૂ.ની લોનના બદલામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાન સોંપી દેવાની તૈયારી કરી લીધી છે. પાક.નું વિદેશી હૂંડિયામણ રિઝર્વ સતત ઘટી રહ્યું છે. આઈએમએફ દ્વારા 90 હજાર કરોડની મદદ ન મળતી જોઈ પાકિસ્તાન પીઓકેના વિસ્તારો પણ ચીનને સોંપવા જઈ રહ્યું છે. આ મામલે પાકિસ્તાને ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેના 52 કાયદા પોતાના હાથમાં લઈ લીધા છે. તે હેઠળ પાક. સરકારને ત્યાંની જમીનને કોઈ પણ દેશને લીઝ પર સોંપવાનો અધિકાર મળી ગયો છે. 2018માં પાક. સરકારે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને પીઓકેને વધુ અધિકાર આપવાની જાહેરાત કરી હતી. ગિલગિટ અને બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી ખાલિદ ખુરશીદ ખાને પાક. સરકાર પર 30 અબજ રૂપિયાની સહાયને માત્ર 12 અબજ રૂપિયા કરવાનો પણ આરોપ મૂક્યો છે. દેવાના બદલામાં ચીન પાક.ના ગિલગિટ-બાલ્ટિસ્તાનના હુંજામાં નિયોબિમનું મોટા પાયે ખોદકામ કરી રહ્યું છે. હુંજામાં માણેક-મોતી અને કોલસાનો 120 લાખ મેટ્રિક ટનનો ભંડાર છે. ચીનને હુંજામાં મોટી જમીન લીઝ પર મળી છે. તાજેતરમાં અહીંના સ્થાનિકોએ ચીનને લીઝ જારી થવાના વિરોધમાં ભારે દેખાવો કર્યા હતા. પાક.એ યુએઈ સાથે 8 હજાર કરોડ રૂ.ના દેવાના બદલામાં 20 સરકારી કંપનીઓના 12 ટકા વધુ શેર આપવાનો કરાર કર્યો છે. સાઉદીને પણ પાક.એ 2018થી 40 હજાર કરોડ રૂપિયાની સરળ શરતો પર લોનની અરજી કરી હતી. ફેબ્રુઆરીમાં જ સાઉદી અરબથી પાક.ને 10 હજાર કરોડનું ધિરાણ મળ્યું છે.

(6:12 pm IST)