Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ફ્લાઈંગ કારની પહેલી ફ્લાઇટ બે શહેરો વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ

નવી દિલ્હી: ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે ફ્લાઈંગ કારનો વિચાર વર્ષોથી ચાલી રહ્યો છે. જોકે તેને સાકાર કરવા સામે ટેકનિકલ પડકારો પણ ઘણા છે. આમ છતા કેટલીક કંપનીઓ તેના પર કામ કરી રહી છે અને હવે તેમાં સફળતા પણ મળી રહી છે. મળતી વિગતો પ્રમાણે ફ્લાઈંગ કારની પહેલી ટેસ્ટ ફ્લાઈટ બે શહેરો વચ્ચે સફળતાપૂર્વક યોજાઈ છે. આ કારે સ્લોવાકિયામાં નાઈટ્રા અને બ્રાતિસ્લાવા નામના બે શહેરો વચ્ચે ઉડાન ભરી હતી. કારે બે શહેરો વચ્ચેનુ અંતર 35 મિનિટમાં પૂરૂ કર્યુ હતુ. આ પરિક્ષણ કરનાર કંપની એરકારે કહ્યુ હતુ કે, લેન્ડિંગ બાદ એક જ બટન દબાવતાની સાથે આ કાર મિનિટની અંદર પ્લેનમાંથી સ્પોર્ટસકારમાં ફેરવાઈ ગઈ હતી. કારમાં બીએમડબલ્યુનુ 160 હોર્સપાવરનુ એન્જિન ફિટ કરાયુ છે. તેમાં ઉડાન ભરવા માટે એક ફિક્સ્ડ પ્રોપેલર અને બેલેસ્ટિક પેરેશૂટ પણ છે. કાર 8200 ફૂટની ઉંચાઈ પર 1000 કિમી સુધી ઉડવા માટે સક્ષમ છે. તે 170 કિમીની ઝડપે ઉડી શકે છે અને અત્યાર સુધીમાં તેણે 40 કલાક ઉડ્ડયન કર્યુ છે. કારને વિમાનમાં બદલાતા માંડ 2 મિનિટનો સમય લાગતો હોય છે.

(6:00 pm IST)