Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હવે વજન ઘટાડો માત્ર એક સોયની મદદથી અમેરિકન વૈજ્ઞાનિકની શોધ

ઓબેસિટીથી પીડિતા લોકો માટે વરદાન સાબિત થશે

વોશિંગ્ટન તા. ૧ : અમેરિકાના ઓમેરી યુનિવર્સિટીની ડીપાર્ટમેન્ટ ઓફ મેડિકલ સાયન્સના સંશોધકોની ટીમે વજન ઘટાડવા અંગે તાજેતરમાં એક નવી શોધ કરી છે. સંશોધકોના જણાવ્યા મુજબ વજન વધવા પાછળ કંટ્રોલ વગરની ભૂખ જવાબદાર છે. જેને કાબૂમાં કરવાથી આપોઆપ ભૂખ ઓછી થાય છે અને જેના કારણે વજન ઘટે છે. રિસર્ચમાં જણાવ્યા અનુસાર માણસને ભૂખનું સિગ્નલ આપતી પોસ્ટિરીયર વેગલ ટ્રંક નર્વ કે જે મગજને ભૂખ લાગવા અંગેના સંકેતો મોકલે છે તેના ફંકશનિંગ પર કંટ્રોલ કરવામાં આવે તો આડેધડ ભૂખની સમસ્યાથી બચી શકાય છે.

મેડિકલ સાયન્સના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારના ઉપાય દ્વારા ઓબેસિટીથી પીડીત લોકો માટે એક નવી આશાનો સંચાર થયો છે. અમેરિકાન સંશોધકોના દાવા મુજબ મેદસ્વિતા ઘટાડવા માટે આ ઉપાય જબરજસ્ત કારગર સાબિત થયો છે.

નવી પદ્ઘતી અંગે વાત કરતા સંશોધકોએ જણાવ્યું કે, વ્યકિતની ભોજન નળીની અંદર આવેલ પોસ્ટિરીયર વેગલ ટ્રંક નામની નસને જામ કરી દેવામાં આવશે. આ જ નસ પેટની ભૂખના સંકેત મગજ સુધી પહોંચાડે છે. આ નસનો પ્રવાહ રોકી દેવાથી માણસને ગમે ત્યારે ભૂખ નહીં લાગે. જે લોકોને આખો દિવસ કઈંક ને કઈંક ખાવાની આદત હોય અને મેદસ્વિતા વધતી જ જતી હોય તેમના માટે આ ઉપાય જબરજસ્ત કારગર નીવડશે.

આ ટ્રીટમેન્ટમાં સીટી સ્કેનના ઉપયોગથી એક સોયને માણસના શરીરમાં ઈન્જેકટ કરવામાં આવે છે, જેની મદદથી એર્ગન ગેસને નર્વમાં મોકલી શ્નપોસ્ટિરીયર વેગન ટ્રંકલૃનામની નસને જામ કરી દેવામાં આવે છે. નોંધનીય છે કે આ નસ શરીરની સૌથી લાંબી ક્રેનિઅલ નર્વ છે. જે ભોજનની નળીમાં આવેલ હોય છે. તેનું કામ પેટ ખાલી છે અને ભોજનની જરૂર છે કે નહીં તેનો સંકેત મગજને આપવાનો હોય છે.

રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર તેમણે ૧૦ લોકો પર આ ટ્રીટમેન્ટ કરી, ૯૦ દિવસ સુધી તેમના પર નજર રાખવામાં આવી. અંતિમ પરિણામમાં જાણવા મળ્યું કે, તેમના વજનમાં ૧૪% સુધીનો ઘટાડો જોવા મળ્યો. સાથે-સાથે તેમના પર કોઇ આડ-અસર પણ જોવા સામે આવી નથી.

(10:40 am IST)