Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગજબની ફિટનેસ ધરાવતા ૯૫ વર્ષના જિમ્નાસ્ટ દાદીએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ઉંમરની સાથે સ્વાસ્થયને કોઈ લેવા દેવા નથીઃ દુનિયાને આ વાતનો પુરાવો આપ્યો છે ૯૫ વર્ષના દાદીમાએ

નવી દિલ્હી, તા.૧: શું ઉંમરને અને સફળતાને કંઈ લેવા દેવા છે? જો તમે એવું માનતા હોવ કે એક ઉંમર સુધી જ સફળતા મળે છે અને કોઈ એક ઉંમર બાદ સફળતા મેળવી શકાતી નથી? તો આ ખબર તમારે વાંચવી જોઈએ. કારણ કે આ ખબર વાંચીને તમને સમજાઈ જશે કે સતત મહેનત અને શીખતા રહેવાની ધગશથી સફળતા સુધી પહોંચી શકાય છે. સોશિયલ મીડિયા પર હાલ એક યુવાન દાદી લોકોમાં જોશ અને ઉત્સાહ ભરી રહ્યા છે. આ દાદી ઉંમરથી તો વૃદ્ઘ છે પણ જુસ્સાથી યુવાન છે.

જે ઉંમરમાં લોકો લાકડી લઈને ચાલતા હોય છે તે ઉંમરમાં આ દાદી લાકડા પર ગજબના સ્ટંટ કરે છે. આ દાદીનું નામ છે જોહના કાસ..દાદી જર્મનીના છે અને ઉંમર વિશે જાણીને તો તમે ચોંકી જશો. આ દાદીની ઉંમર છે ૯૫ વર્ષ..જીં..હાં..૯૫ વર્ષ..આ ઉંમરમાં તો મોટાભાગના લોકો પથારીવશ હોય છે ત્યારે આ દાદી મેદાનમાં કરતબ કરે છે. ૯૫ વર્ષની ઉંમરમાં આ  દાદી એવા એવા સ્ટંટ કરે છે કે જેને જોઈને યુવાનો પણ શરમાઈ જાય. આ દાદીને એવા એવા  કરતબ કરે છે કે જેને જોઈને લોકો જોતા રહી જાય.

આ દાદીની કહાણી પણ ખુબ પ્રેરણાદાયક છે. દાદીને બાળપણથી જ દુનિયાની સૌથી જિમ્નાસ્ટ બનવું હતું. સપનું પુરુ કરવા નાની ઉંમરથી જ જિમ્નાસ્ટ માટે પ્રેકિટસ શરુ કરી દિધી. દાદીએ દિવસ રાત મહેનન કરી. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો અને મેડલ પણ જીત્યા. પણ લગ્ન જીવનને લીધે તેઓ તેમના સપનાથી દુર થઈ ગયા. સમય વિતતો ગયો અને દાદી ૭૨ વર્ષના થઈ ગયા પણ તેમણે જિમનાસ્ટ બનવાનું તેમનું સપનું જીવંત રાખ્યું.

પતિની મદદથી ફરી જિમનાસ્ટની પ્રેકિટસ કરીને સૌથી વૃદ્ઘ ઉંમરના જિમનાસ્ટ બન્યા અને એટલું જ નહીં ૧૧ જેટલા મેડલ પણ જીત્યા. સોશિયલ મીડિયા પર લોકો આ દાદીની હિંમત અને જુસ્સાના ખુબ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે દાદીથી ખુબ પ્રભાવિત પણ થઈ રહ્યા છે. દાદીનો આ વીડિયો લોકોને બોધપાઠ આપે છે કે ઉંમરને વૃદ્ઘ થવા દો, તમારા દિલને નહીં.

(3:42 pm IST)