ગુજરાત
News of Friday, 31st December 2021

ડાંગમાં 60 થી 70 આદિવાસી દંપતીને ખ્રિસ્તી ધર્મમાંથી શાસ્ત્રોકત વિધિથી શુદ્ધિ કરણ કરી હિન્દૂ સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવાઈ

ઘરવાપસી કાર્યક્રમમાં કેટલાક દંપતીઓ 10 વર્ષ તેમજ કેટલાક 20 વર્ષોથી વધુ સમયથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું

સાપુતારા: ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વઘઇ તાલુકાના પાંઢરમાળ ગામે વર્ષના અંતિમ દિવસે અગ્નિવિર સંસ્થા દ્વારા 60 થી 70 આદિવાસી દંપતીને ખ્રિસ્તી ધર્મ માંથી શાસ્ત્રોક વિધિથી શુદ્ધિ કરણ કરી હિન્દૂ સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવી હતી.

રાજ્યના છેવાડામાં આવેલ 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લાના પાંઢરમાળ ગામે હિન્દૂ અગ્નિવીર સંસ્થાના મહેન્દ્રસિંહ રાજપુરોહિત ,પરેશભાઈ ગાયકવાડ,અંબેલાલ પટેલ,રામભાઈ ચૌધરી ની અધ્યક્ષ સ્થાને 70 જેટલા આદિવાસી ધર્માતરણ થયેલ દંપતિઓને હિન્દૂ શાત્રોક્ત વિધિ કરી શુદ્ધિ કરણ કરી ઘર વાપસી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઝાવડા, કાલીબેલ, બરડીપાડા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની સંખ્યા વધુ છે.જે 25 ડિસેમ્બર નાતાલથી 31 ડિસેમ્બર ધામધૂમથી ઉજવતા હોય અગ્નિવીર સંસ્થા દ્વારા બપોરે શુદ્ધિકરણ વૈદિક દીક્ષા કાર્યક્રમ અને સાંજે રામનામ ધૂન અને ભજન કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.આ ઘરવાપસી કાર્યક્રમમાં કેટલાક દંપતીઓ 10 વર્ષ તેમજ કેટલાક 20 વર્ષોથી વધુ સમયથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું હતું. તેઓ આજે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી હિન્દૂ ધર્મ માં જોડાતા પોતાના સનાતન ધર્મ હિન્દુમાં જ જોડાઈ રહેવા સંકલ્પબદ્ધ થયા હતા.

(12:30 am IST)