સુરતના લીંબાયત વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં પિતાની નજર સામે પાંચ યુવાનોએ રત્નકલાકારને હથિયારના ઘા જીકી રહેંસી નાખતા પોલીસ ફરિયાદ
સુરત: શહેરના લીંબાયત બજરંગનગરમાં શુક્રવારે રાત્રે રત્નકલાકાર યુવાનને દિવાળી અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં તેના પિતા અને ભાઈની નજર સામે પાંચ યુવાનોએ તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના અકોલાનો વતની અને હાલ સુરતમાં લીંબાયત સંતોષનગર પ્લોટ નં.303 માં પત્ની શીતલ, માતાપિતા અને ભાઈબહેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતો 25 વર્ષીય રાકેશ ઉર્ફે સોનુ રાજુભાઈ વાઘમારે ગતરાત્રે 8.30 વાગ્યે પોતાના ઘરેથી સોસાયટીની બહાર ગયો હતો. રાત્રે 10 વાગ્યે તેના પિતા રાજુભાઈએ ઘરે આવી મોટા પુત્ર જગદીશ ઉર્ફે પિન્ટુને કહ્યું હતું કે રાકેશ ઉર્ફે સોનુને બજરંગનગરમાં ગણેશ ઉર્ફે ગણીયો ( રહે.બજરંગનગર, લીંબાયત, સુરત ) અને તેના મિત્રો મારે છે. આથી જગદીશ તેના પિતા સાથે એક્ટીવા પર ત્યાં દોડી ગયો હતો. ત્યાં જોયું તો પ્લોટ નં.62 ની બાજુમાં રોડ પર ગણેશ અને તેના મિત્રો વિક્કી, વિક્રમ, કરણ અને કિશન તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારતા હતા.