ગુજરાત
News of Saturday, 17th November 2018

કાંકરેજ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની બે કેનાલમાં ગાબડું પડ્યું:હજારો ક્યુસેક પાણીનો બગાડ

બનાસકાંઠા: જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ખારીયા ગામ પાસે કેનાલનું કામ ચાલતું હોવાથી કેનાલમાં સાયફનના ડાયવર્ઝન અપાતા ડાયવર્ઝન પાસેથી જ કેનાલમાં ગાબડું પડતાં હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયેલ છે. જ્યારે વાવ તાલુકાના ચરાડા ગામ પાસે નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડતાં જિલ્લામાં કેનાલોને ગાબડા પડવાના બે બનાવોથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો છે.

કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાભપાંચમના દિવસથી પાણી છોડાતા ખેડૂતોમાં  ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને સરહદી વિસ્તારમાં વરસાદની અછતનો ભોગ બનેલા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

ત્યારે અંતરિયાળ ભાભર તાલુકાના ગામોમાં પુરતું પાણી ન પહોંચતા છેવાડાના ગામોના ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ત્યારે કાંકરેજ તાલુકાના ખારીયા ગામે કેનાલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન અપાતા ડાયવર્ઝન પાસે જ ૫૦ ફુટનું ગાબડું પડતાં ખારીયા નદીમાં પાણી ફરી વળ્યું હતું.

(3:29 pm IST)