મોડાસા નેશનલ હાઇવે નજીકથી પોલીસે નંબર વગરના કન્ટેનરમાંથી 57 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
મોડાસા:નેશનલ હાઈવે માર્ગની શામળાજી આરટીઓ ચેક પોસ્ટ નજીક આવેલ વેણપુર ગામની સીમમાંથી પસાર થતાં નંબર વગરના કન્ટેઈનર માંથી વિદેશી દારુની ૯૬૨ પેટીઓનો મોટો જથ્થો ઝડપાયો હતો. શામળાજી પોલીસે રુપિયા ૫૭.૯૮ લાખના વિદેશી દારુની ગેરકાયદેસરની હેરાફેરીમાં સંડોવાયેલા બે શખ્શો ને ઝડપી ૪ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોધ્યો હતો. જયારે કન્ટેનર સહીત રુપિયા ૬૭,૯૯,૦૦૦/- નો મુદૃામાલ કબ્જે કર્યો હતો.
શામળાજી પોસઈ એમ.બી.ગઢવી સહીતની પોલસ ટીમ દ્વારા ગત ગુરુવારની રાત્રીએ હાઈવે માર્ગના વેણપુર નજીક નાકાબંધી કરાઈ હતી. દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે હંકારાઈ રહેલ એક નંબર વગરના કન્ટેનરને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું. પોલીસ ટીમે હાથ ધરેલ ચેકીંગમાં આ કન્ટેનરમાંથી વિદેશી દારુની ૯૬૨ પેટીઓનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પડાયો હતો. રૃ.૫૭,૯૮,૦૦૦/- ની કીંમતની વિદેશી દારુની ૧૧૫૯૬ બોટલો, નંબર વગરનું કન્ટેનર અને બે મોબાઈલ મળી કુલ રૃપિયા ૬૭,૯૯,૦૦૦/- નો મુદૃામાલ કબ્જે લેવાયો હતો.