ગુજરાત
News of Saturday, 21st April 2018

નરોડા પાટીયાકાંડના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશુંઃ પીડિતોના વકીલ સમશાદખાન પઠાણે આ ચુકાદાને ગુજરાતના ઇતિહાસમાં આઘાતજનક ચુકાદો ગણાવ્યો

અમદાવાદઃ નરોડા પાટીયા કેસમાં આજે ચુકાદો જાહેર થયા બાદ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા પીડિતોના વકીલ સમશાદખાન પઠાણે જણાવ્યું છે.

અમદાવાદમાં 14 વર્ષ પહેલા થયેલા નરોડા પાટીયાકાંડમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે ખુબ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રી માયા કોડનાનીને હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં 32 આરોપીઓ પૈકી 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે, આ કેસમાં માયા કોડનાની બાદ બીજા મહત્વના આરોપી બાબુ બજરંગીને 31 વર્ષની સજાને બદલે હાઇકોર્ટે 21 વર્ષની સજા જાહેર કરી હતી. ગુજરાત હાઇકોર્ટે એ પણ મુલ્યાંકન કર્યું છે કે બાબુ બજરંગી સહિત ત્રણ આરોપીએ મુખ્ય ષંડયંત્રકારી છે. જો કે માયા કોડનાનીનો રોલ આ કેસમાં જોવા મળ્યો ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.

ઉલ્લેખનનીય છે કે ટ્રાઇલ કોર્ટ દ્વારા માયા કોડનાનીને આરોપી માનીને સજા કરવામાં આવની હતી. બીજી તરફ આશીષ ખેતાન નામના પત્રકારે કરેલા સ્ટીંગ ઓપરેશનના રેકોર્ડીંગને ગુજરાત હાઇકોર્ટે પુરાવા તરીકે માન્ય રાખ્યો નહોતો ત્યારે ટ્રાઇલ કોર્ટે આ પુરાવાને માન્ય રાખ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પિડીતોના વકીલ સમશાદખાન પઠાણે કહ્યું હતુ કે ગુજરાતના ઇતિહાસમાં આઘાતજનક ચુકાદો છે. જે પુરાવાના આઘારે બાબુ બજરંગીને સજા આપવામાં આવી છે. તે પુરાવાના આઘારે માયા કોડનાની નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તે ચોંકાવનારી બાબત છે. હવે આ બાબતે અમે સુપ્રિમ કોર્ટમાં જઇશુ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારવાના છીએ. જો કે હાઇકોર્ટના ચુકાદાને આ પહેલા અમે સ્ટડી કરીશુ અને અમારા તરફથી વધુ નિવેદન આપવામાં આવશે. જો કે એક વાત નક્કી છે કે આ ચુકાદો આઘાતજનક છે અને તેના લીધે મુખ્ય આરોપીઓને સજા કરવામાં આવી નથી.

નરોડાકાંડમાં 97 લોકોના મોત નીપજ્યા હતા અને જે ગુજરાતનો સૌથી મોટો હત્યાકાંડ હતો. આ અંગે ભાજપ દ્વારા રીએક્શન આપવામાં આવ્યું છે કે સત્યમેવ જયતે અને માયાબેન કોડનાની માટે અમને પહેલાથી જ વિશ્વાસ હતો અને તેને કોર્ટે માન્ય રાખ્યો છે. જ્યારે આ ચુકાદો આવતા જ માયાબેન કોડનાનીના ઘરે સરદારનગર ખાતે સીંધી સમાજના લોકો અને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.

આ અંગે માયાબેન કોડનાની પતિ સુરેન્દ્રભાઇએ જણાવ્યું હતુ કે ભગવાન અને ન્યાય પાલિકા પરનો વિશ્વાસ આજે સાબિત થયો છે. ઉલ્લેખનીય છેકે જ્યારે નરોડાકાંડનો બનાવ બન્યો હતો ત્યારે માયાબેન કોડનાની ભાજપ સરકારમાં મંત્રી હતા અને નરોડાકાંડ પહેલા તેમણે ટોળાને ઉશ્કેર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે ગુજરાતના સૌથી મોટા ચુકાદાને લઇને ભાજપ માટે એક હકારાત્મક બાબત છે તે પણ મહત્વની છે.

(6:20 pm IST)