ગુજરાત
News of Thursday, 19th April 2018

વલસાડ: વૃદ્ધાની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડવાનો પ્લાન

વલસાડ:નજીકના ઓઝર ગામે આવેલી પારસી મહિલાની કરોડો રુપિયાની જમીનનો બોગસ દસ્તાવેજ કરી વલસાડના દેસાઇ દંપત્તિએ જામનગરના અન્ય સાગરીતો સાથે પચાવી પાડી હતી. જેની જાણ જમીનની દેખરેખ કરનારને થતા તેમણે તપાસ કરી પુરાવા એકત્ર કરીને સિટી પોલીસ મથકે ફરિયાદ કરતાં પાંચ મહિના બાદ ગુનો દાખલ કરાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મુંબઇ રહેતા કુમી એરચશા મહેતા (ઉ.વ.૮૨)ની વલસાડના ઓઝર ગામે ૬ હેક્ટર જમીન તેમણે તેમના ભત્રીજા ફિરોઝ રુષી શ્રોફને દેખરેખ માટે આપી હતી. કરોડો રુપિયાની કિંમતની આ જમીનમાં ૮ માસ અગાઉ તેમના માણસો કામ કરી રહ્યા હતા, ત્યારે કોઇ વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા અને જમીનના ફોટા પાડતા હતા. જેની જાણ થતાં ફિરોઝ શ્રોફ આ જમીનના મામલે રેવન્યુ રજીસ્ટ્રારમાં તપાસ કરી હતી. જેમાં તેમણે જોયું કે, આ જમીન કુમી એરચશા મહેતા દ્વારા વલસાડના વશીયર વેલી સોસાયટીમાં રહેતા પંકજ ચિતરંજન દેસાઇને તથા કાસુન્દ્રા નારણભાઇ દામજીભાઇને વેંચાણથી આપી દીધી હતી. ત્યારે તેમણે કુમી મહેતાના પુરાવા જોતા તેઓ ચોંકી ગયા હતા. કુમી મહેતાના બદલે કોઇ અન્ય મહિલાએ કુમી મહેતાનો આધાર કાર્ડ બનાવી તેઓ મોરબી રહેતા હોવાનું દર્શાવી પોતે હાજર રહી જમીન વેંચી દીધી હતી. તેમના કુમી મહેતા કુંવારા છે. એરચશા તેમના પિતા છે. જ્યારે આધારકાર્ડમાં તેમજ દસ્તાવેજમાં તેમને તેમના પતિ દર્શાવ્યા હતા. આ સમગ્ર મામલો જાણવા મળતાં તેમણે આ બોગસ દસ્તાવેજ સંદર્ભે વધુ તપાસ કરતાં તેમને જાણવા મળ્યું કે, બોગસ દસ્તાવેજ કરી જમીન પચાવી પાડવામાં પંકજ દેસાઇ અને નારણ કાસુન્દ્રા સાથે જામનગર જોડિયાના રહેવાસી રસીક બેચરભાઇ બોડા, જામનગરના રહેવાસી ધારુકીયા વિરમ પ્રાગજીભાઇ અને પંકજના પત્ની મેઘા પંકજ દેસાઇ (ઉ.વ.૪૩) પણ સામેલ હતા. જેના પગલે કુમી મહેતા દ્વારા ગત ૩૧ મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ આ સમગ્ર કૌભાંડ સંદર્ભે વલસાડ સિટી પોલીસ મથકે દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ કરી હતી. જોકે, પોલીસે બનાવ સંદર્ભે જાતે તપાસ હાથ ધર્યા બાદ આ સમગ્ર મામલે ગુનાહિત કૃત્ય થયું હોવાનું બહાર આવતાં તેમણે પંકજ, તેની પત્ની મેઘા, નારણ, રસીક અને વિરમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(4:42 pm IST)