ગુજરાત
News of Saturday, 31st October 2020

કોંગ્રેસ ગુજરાત વિરોધી તથા સરદાર વિરોધી છે : પરેશ ધાનાણીએ સરદાર પટેલના સ્ટેચ્યુને ‘લોખંડનો ભંગાર’ કહ્યો હતો : વિજયભાઈ રૂપાણીના પ્રહાર

ધારીમાં જનસભાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું આ કોંગ્રેસને પાઠ ભણાવવાની આવશ્યકતા છે

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતમાં જ નહીં દેશભરમાં તૂટી રહી છે, જનતાની ચિંતા કરવાના સ્થાને ફક્ત એક પરિવારની ચાપલુસી કરવાના કારણે કોંગ્રેસ ખતમ થઈ રહી છે. રાહુલ ગાંધીએ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી પરંતુ સરદાર જયંતિ નિમિત્તે સરદાર પટેલને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ સુધ્ધાં આપી નથી. આ કોંગ્રેસ ગુજરાત વિરોધી તથા સરદાર વિરોધી કોંગ્રેસ છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સરદાર પટેલના સ્ટેચ્યુને ‘લોખંડનો ભંગાર’ કહ્યો હતો.

કોંગ્રેસીઓ સરદાર પટેલ માટે ગમે તેવા નિમ્નસ્તરના ઉચ્ચારણ કરતા શરમ પણ નથી આવતી. આ કોંગ્રેસને પાઠ ભણાવવાની આવશ્યકતા છે અને આ ચૂંટણીમાં જનતા જરૂરથી ભણાવશે પણ ખરી. કોંગ્રેસના નિષ્ફળ નેતૃત્વ, આંતરિક જૂથબંધી, નકારાત્મક રાજનીતિના કારણે કોંગ્રેસના લોકોનું કોંગ્રેસની નેતાગીરી પ્રત્યે ઉભા થયેલા અસંતોષના કારણે કોંગ્રેસ દેશભરમાં વિખરી રહી છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે.

 

ધારી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ તેના પૂર્વ ધારાસભ્યોને પક્ષપલટુ કહી રહી છે, આ એ જ કોંગ્રેસ છે જેણે કેશુભાઈની સરકાર તોડાવી, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા શંકરસિંહ વાઘેલાને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, આ એ જ કોંગ્રેસ છે જેણે બાબુભાઇ જશભાઈ પટેલના નેતૃત્વની સરકાર તોડી હતી.

કોંગ્રેસની ગળથુથીમાં કૌંભાંડોની હારમાળા છે, કોંગ્રેસ ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારીનો પર્યાય બની ચુકી છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ છે, ‘કોંગ્રેસમાં ચોર ચોર મોસેરા ભાઈ જેવી સ્થિતિ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે હતાશ, નિરાશ થઈ ગઈ છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત દિવસે કામ કરે, અને રાત્રે આરામ કરી શકે, ખેડૂતની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે ‘કિસાન સૂર્યોદય યોજના’ લાવીને ખેડૂતોને ખેતી માટે રાતની જગ્યાએ દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લા સહિતના 1055 ગામમાં આ યોજનાનો લાભ શરૂ થઈ ચૂકયો છે અને આગામી 3 વર્ષમાં સમગ્ર રાજ્યના ગામડાઓને આવરી લેવામાં આવશે.

નર્મદાના નીર આજે રાજ્યના ખૂણે ખૂણે પહોંચ્યા છે, સૌની યોજના પણ પૂર્ણતાના આરે છે. 115 ડેમમાંથી 80 ડેમમાં નર્મદાના પાણી આવી ગયા છે અને આવતા વર્ષે આ કામ પુરુ થવાનું છે. 18,000 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના ગામે ગામ બધા ડેમોમાં પાણી પહોંચાડીને આપણે સિંચાઈ અને પીવાના પાણીના દુકાળને ભૂતકાળ બનાવી દઈશું. રાજ્યની ભાજપા સરકાર આયોજનબદ્ધ જળ વ્યવસ્થાપનથી ગુજરાતને પાણીદાર, વોટર સરપ્લસ બનાવવા માટે કટિબદ્ધ છે.

(11:01 pm IST)