ગુજરાત
News of Saturday, 31st October 2020

સુરતમાં યુવતિના નામે બે ફેક ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ બનાવીને તેની બહેનને મેસેજ કરનાર આણંદનો એન્‍જીનીયર યુવક ઝડપાયોઃ એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્‍તાન

સુરત: સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જિનિયર યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. યુવતી સાથે સગાઈ ન થતા અને તેની સાથે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું.

સુરતના રાંદેર રોડ વિસ્તારની 30 વર્ષીય યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા અને ત્યારબાદ તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. એટલું જ નહીં એક યુવાનના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને જેની સાથે તેના લગ્ન માટે વાત ચાલી હતી તેના એડીટ કરી ફોટા પણ મુક્યા હતા. આ બધું જેની સાથે લગ્ન માટે વાત ચાલતી હતી તે યુવાનની સૂચનાથી કર્યું હોવાનો મેસેજ પણ યુવતીની બહેનને કરવામાં આવ્યો હતો.

આ અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી કરતા તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરાયું હતું. છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડિજિટલ માર્કેટિંગનું કામ કરતા 29 વર્ષીય રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી છે.

પોલીસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર રાજની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો સુરતની યુવતી સાથે પરિચય થયો હતો અને બાદમાં તેઓ એક જ સમાજના હોય અને એકબીજાને પસંદ કરતા હોય પરિવારજનો સાથે વાત કરી સગાઈ માટેની વાત પણ થઈ હતી. પરંતુ કોઈક કારણોસર સગાઈ ન થતા યુવતીએ વાતચીત બંધ કરી દીધી હતી. આથી યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ રાજે યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા.

(5:05 pm IST)