ગુજરાત
News of Saturday, 31st October 2020

ગાંધીનગર નજીક ખોરજ રેલવે ગરનાળાથી રિંગરોડ જવાના માર્ગમાં ઉભરાયેલ ગટરના પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી રેલ્વે લાઇનનોની આસપાસ આવેલાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને અવર જવરમાં સાનુકૂળતા રહે તે માટે ગરનાળા બનાવવામાં આવ્યા છે. તો ઘણી જગ્યાએ અંડરબ્રીજ પણ રેલ્વે લાઇનની નીચે ઉભા કરાયાં છે. ત્યારે ગરનાળાઓમાં ચોમાસાની મોસમમાં પાણી ભરાઇ જવાના કારણે વાહનવ્યવહાર પણ અટકી જતો હોય છે અને ગ્રામજનોને હેરાન પરેશાન થવું પડે છે. આમ શહેર નજીક આવેલાં ખોરજ ગામ પાસે આવેલાં રેલ્વે ગરનાળાનો ઉપયોગ કરીને ગ્રામજનો રીંગરોડ તરફ જતાં હોય છે. રોજના અસંખ્ય લોકો માર્ગનો ઉપયોગ કરે છે. રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર  ત્યારે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી વહી રહ્યાં છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતાં રેલ્વે ગરનાળામાં ભરાઇ જાય છે. જેથી અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવના જોખમે પસાર થવાની નોબત આવી છે. હવે જ્યારે ગામને ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સમસ્યાનું પણ કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. રેલ્વે ગરનાળા નીચે ભરાઇ રહેલાં ગટરના ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા હોવાથી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે દુર્ગંધ યુક્ત પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગંદા પાણી ભરાવાથી કાદવ કીચડ થવાથી વાહનો ફસાઇ જાય છે અને ગ્રામજનોને હેરાન પરેશાન થવું પડે છે.

(4:53 pm IST)