ગુજરાત
News of Saturday, 31st October 2020

બે-બે વખત ૧૨૧ અને ૧૧૭ સભ્યોની બહુમતી હોવા છતાં કેશુભાઇ CM તરીકે કાર્યકાળ પૂરો કરી ન શકયા

વિધિની વકતા કહેવી કે કેટલાક માણસો ઉપર મૂકેલો વિશ્વાસ કહેવોઃ કેશુભાઇ જે જે સરકારમાં હોદા પર રહ્યાં એ સરકારોએ કાર્યકાળ પૂરો ન કર્યોઃ હોદ્દો પણ પૂર્ણ સમય ન ભોગવી શકયા

અમદાવાદ, તા.૩૧: સૌરાષ્ટ્રે કેટલાક ખમતીધર પાટીદાર આગેવાનો આપ્યા. જેમાં છગન બાપાથી શરૂ કરી જયરામભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, દલસુખભાઈ ગોદાણી, અમરેલીના મોટા ગજાના આગેવાન દ્વારકાદાસ પટેલ, કેશુભાઈ પટેલ વિગેરેનો સમાવેશ કરી શકાય.

મહદઅંશે એ જમાનામાં જનજીવન પર કોંગ્રેસની અસર અને પકડ હતી. એક કેશુભાઈના અપવાદને બાદ કરતાં બાકીના નેતાઓ ગાંધીવાદી વિચાર સરણી સાથે જોડાઈને પોતાની રાજકીય પ્રવૃતિ માટે કોંગ્રેસના માધ્યમથી કાર્યરત હતા.

આ બધા વચ્ચે રાજકોટ શહેરમાં ધીરેધીરે જનસંઘનો દીવો પ્રકાશિત થતો જતો હતો. તે સમયે પોતાની જાહેર જીવનની પ્રવૃત્ત્િ। માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી પ્રેરિત થઈને એક યુવાન આ મારગે ચાલ્યો.

સંઘના સ્વયંસેવકથી શરૂ થયેલી એની કારકિર્દી એને મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, ગુજરાત જનસંદ્યના પ્રદેશપ્રમુખ, વિપક્ષના નેતા અને બે-બે વખત મંત્રી અને લોકસભા તેમજ રાજય સભાના સભ્યપદની ખુરશી સુધી લઈ ગઈ. એ યુવાનનું નામ કેશુભાઈ સવદાસ દેસાઈ-પટેલ.

૨૪મી જુલાઈ ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ પટેલ એટલે આર્થિક તંગી અને સંકડામણ વચ્ચે તકદીર સાથે લડીને આગળ વધેલ એક આગેવાન.

વિદ્યાર્થીકાળમાં એમણે કૂવા ગાળવાનું તેમજ અન્ય નાનાં-મોટાં મજૂરીકામ કર્યાં. ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં આરએસએસના સિદ્ઘાંતો અને કાર્યપદ્ઘતિથી પ્રભાવિત થઈ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા.

આઝાદી પછી તરત જ ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં નથુરામ ગોડસેની ગોળીથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા થઈ એના અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય પર તત્કાલીન ભારત સરકારે પ્રતિબંધ મૂકયો. એ સરકાર ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા.

આ પ્રતિબંધ સામે દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો. આ વિરોધપ્રદર્શનના ભાગરૂપે રાજકોટમાં સરદ્યસ કાઢવા બદલ ટુકડીના આગેવાન તરીકે કેશુભાઈ પટેલની ધરપકડ થઈ અને તેમને છ માસની જેલની સજા થઈ.

સજા થવાને કારણે કેશુભાઈ મેટ્રિકની પરીક્ષા આપી શકયા નહીં. બસ ત્યાંથી તેમનો અભ્યાસ અટકયો. કેશુભાઈ કયારેય કોલેજનાં પગથીયાં ચડયા નહીં.

કેશુભાઈનું ત્યાર પછીનું જીવન એ પ્રજાકીય સેવા અને કાર્યો માટે સમર્પિત રહ્યું.

રાજકોટ એમની કર્મભૂમિ બની રહ્યું.

કેશુભાઈ પહેલાં દેસાઈ અટક લખતા હતા. કોંગ્રેસ પાસે મોટાગજાના સંખ્યાબંધ પાટીદાર આગેવાનો હતા. તેની સામે પાટીદાર મતદારોને પોતાની તરફ કરી શકે એ માટે ચીમનભાઈ શુકલ જેવા કેટલાક ચાણકયબુદ્ઘિ નેતાઓએ કેશુભાઈની અટક દેસાઈમાંથી પટેલ કરાવી નાખી.

રાજનીતિમાં કદાચ કોમઆધારિત નેતૃત્વ કરવાની દિશામાં આ પ્રયાસ હતો.

એક આડ વાત કરી લઉં તો આવી જ કોઈ વ્યૂહરચનાના ભાગરૂપે ગુજરાત વિધાનસભામાં પહેલીવાર ચૂંટણી લડતા સૌરભ દલાલ પાટીદાર છે એમ ઓળખાણ ન આપવી પડે એ માટે તેમની અટક પણ તે દિવસથી બદલીને સૌરભ પટેલ કરી દેવામાં આવી.

ભારતીય રાજનીતિમાં મતોનું ધ્રુવીકરણ કરવામાં કોમનો કેટલી સિફ્તાઈથી ઉપયોગ કરવામાં આવે છે એનું આથી મોટું બીજું કોઈ ઉદાહરણ મળી શકે તેમ નથી.

જાહેર જીવનમાં આગળ વધતાં તેઓ રાજકોટ શહેર સુધરાઈની ચૂંટણીમાં જનસંદ્યના ઉમેદવાર તરીકે વિજયી બન્યા અને તેની સાથે વિરોધપક્ષના નેતા તરીકે જનસંદ્યમાં કેશુભાઈનું કદ બહુ ઝડપથી વધવા માંડ્યું અને ૧૯૬૯થી ૧૯૭૪ દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ તેમજ પ્રમુખના હોદ્દા પર કાર્યરત રહ્યા.

સૌરાષ્ટ્રમાં જનસંદ્યના વગદાર આગેવાનોની જે ટીમ બની તેમાં હરિસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના પ્રવીણભાઈ મણિયાર, ચીમન શુકલ, સૂર્યકાંત આચાર્ય તેમજ અરવિંદભાઈ મણિયાર જેવાં નામોનો સમાવેશ કરી શકાય.

૧૯૭૫ના સાલ ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં મહત્વનું ટર્નિંગ પોઇન્ટ બની.

પહેલીવાર ગાંધીનગરમાં જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર સરદાર પટેલ જન્મશતાબ્દી વર્ષમાં ૧૮મી જૂને સત્તારૂઢ બની.

યોગાનુયોગ કેશુભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનીને ગાંધીનગર પહોંચ્યા અને બાબુભાઈ જશભાઈ પટેલના મંત્રીમંડળમાં સિંચાઈ અને કૃષિવિભાગના મંત્રી બન્યા.

આ પ્રધાનમંડળમાં કુલ ૧૮ સભ્યો હતા અને કેબિનેટ મંત્રીની રેન્કમાં ત્રીજા નંબરે કેશુભાઈ પટેલ સિંચાઈ અને ખેતીવિભાગના મંત્રી તરીકે નિમાયા.

બાબુભાઈ જશભાઈના મંત્રીમંડળમાં કેશુભાઈ સવદાસ પટેલ, મકરંદ ભાઈ અને હેમાબહેન ત્રણ મંત્રીઓ જનસંદ્યમાંથી હતાં.

જનસંઘ ૧૯૭૫ પહેલાં ગુજરાતમાં નહિવત હતો.

ભાજપ તરીકેના નવા અવતારમાં ચીમનભાઈ પટેલ સાથે મિશ્ર સરકાર રચવામાં સફળ થયો જેમાં કેશુભાઈ પટેલનું સ્થાન બીજા નંબરનું હતું અને તેઓ નર્મદા જળસંપત્તિવિભાગના મંત્રી હતા.

૧૪ માર્ચ ૧૯૯૫ના રોજ રાજયમાં પ્રથમ વખત ભાજપની સરકાર આવી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને ગૃહખાતાનો હવાલો પોતાની પાસે રાખ્યો.

'ગોકુળ ગ્રામ યોજના' એ ગ્રામવિકાસ માટે કેશુભાઈની જાહેર કરેલી યોજના છે. આ સરકાર પૂરો સમય રાજય કરે તે સામે કોઈ અવરોધ ન હતો.

ભારતીય જનતા પક્ષ પાસે ૧૨૧ સભ્યો હતા પણ જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે એ ઉકિત મુજબ શંકરસિંહ વાદ્યેલાની આગેવાની હેઠળ ભાજપમાં બળવો થયો અને ૨૧ ઓકટોબર ૧૯૯૫ના રોજ કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું.

તેમના અનુગામી તરીકે સુરેશ મહેતાએ મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

આ વ્યવસ્થા પણ લાંબુ ના ચાલી અને ૨૩ ઓકટોબર ૧૯૯૬ના રોજ શંકરસિંહ વાદ્યેલાની આગેવાની નીચે સરકાર રચાઈ.

શંકરસિંહ વાદ્યેલાની મહાગુજરાત રાષ્ટ્રીય જનતા પાર્ટીને કાઙ્ખંગ્રેસે ટેકો આપ્યો. આ વ્યવસ્થા પણ લાંબું ન ચાલી.

૨૭ ઓકટોબરના રોજ દિલીપભાઈ પરીખના વડપણ હેઠળ ફરી પાછી નવી સરકાર આવી. માત્ર બે મહિના જેટલા ટૂંકા ગાળામાં ૨૪ ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ સરકારે વિધાનસભાના વિસર્જનનો પ્રસ્તાવ મંજૂર કર્યો.

૨૮ ઓકટોબર ૧૯૯૮ના રોજ વિધાનસભાની ચૂંટણી થઈ, જેમાં ભાજપના ૧૧૭ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા. વળી પાછા કેશુભાઈ પટેલ ૪ માર્ચ ૧૯૯૮ના રોજ મુખ્ય મંત્રી બન્યા.

કેશુભાઈની તકદીર કહો કે વિધિની વક્રતા આ વખતે પણ એમણે પોતાની ટર્મ પૂરી ન કરી.

૩ ઓકટોબર ૨૦૦૧ના રોજ તેમણે રાજીનામું આપ્યું અને નરેન્દ્રભાઇ મોદી નવા મુખ્ય મંત્રી બન્યા.

૧૯૭૫માં વિધાનસભામાં પહેલીવાર ચૂંટાનાર કેશુભાઈ પટેલ પાંચ વખત વિધાનસભામાં ચૂંટાયા. વિરોધપક્ષ (ભાજપના)નેતા બન્યા.

બે-બે વખત અનુક્રમે ૧૨૧ અને ૧૧૭ સભ્યોની સલામત બહુમતી હોવા છતાં કેશુભાઈએ મુખ્યમંત્રી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂરો ન કર્યો.

આમ કેશુભાઈ પટેલ જે સરકારમાં રહ્યા પછી તે બાબુભાઈ જશભાઈની સરકાર હોય, ચીમનભાઈ પટેલની સરકાર હોય, બે-બે વખત તેમની પોતાની સરકાર હોય એ સરકારોએ ન તો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો ન તો કેશુભાઈ પટેલે પોતાને મળેલ હોદ્દો પૂરો સમય ભોગવ્યો.

આને વિધિની વક્રતા કહેવી કે પછી કેશુભાઈની રાજકીય ગોઠવાણોની કુનેહનો અભાવ કે પછી કેટલાક માણસો પર મૂકેલો વધુ પડતો વિશ્વાસ એ સમજાતું નથી.

અગાઉ જનસંદ્યમાં અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાદ્યેલા, કાશીરામ રાણા, ચીમન શુકલ, ડો. એ. કે. પટેલ, મકરંદ દેસાઈ, આ એક એવું નેતાઓનો જૂથ હતું જેમનું નેતૃત્વ અને વર્ચસ્વ આ રીતે તૂટશે એની કોઈને કલ્પના ન હતી.

કેશુભાઈ પટેલ સ્વભાવે ઉમદા માણસ પણ રાજકીય કુનેહ કે દૃષ્ટિમાં કદાચ કયાંકને કયાંક એમની ગણતરીઓ હંમેશાં ખોટી પડી.

કેટલાક એવા પણ માણસો કે જેમના ઉપર તેમણે વિશ્વાસ મુકયો એમણે જ વખત આવતાં કેશુભાઈના પગ નીચેથી શેતરંજી ખેંચી લીધી.

આને શિક્ષણનો અભાવ કહેવો કે પછી વાતાવરણની ગંધ પરથી પરિસ્થિતિનો તાગ મેળવી લેવાની એક કુશળ નેતા પાસે જે દૂરદર્શિતા અને સમજ હોવી જોઈએ એમાં કયાંક ઊણપ?

બાકી ૨૦૦૦ સુધી કેશુભાઈ ભારતીય જનતા પક્ષમાં એક એવું નામ હતું જેનો બોલ અથવા આમન્યા કયારેય કોઈ નહોતું ઉથાપતું.

કેશુભાઈ પટેલનો જનસંદ્ય અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં ઉદય અને અસ્ત બંને આકસ્મિક રહ્યા.

રાજકારણની આ દુનિયા જ ન સમજી શકાય તેવી છે. માણસ તરીકે કેશુભાઈ એક સારા માણસ, સંવેદનશીલ માણસ, સરળ વ્યકિત હતા.

કેશુભાઈની રાજકીય કારકિર્દીને એમના અતિ નિકટના કેટલાક લોકોએ ગ્રહણ લગાડ્યું . કોઈકે લાલચ અને લાલસામાં તો કોઈકે મહત્વકાંક્ષા ના પગથિયાં ચડવા માટે.

(10:35 am IST)