ગુજરાત
News of Thursday, 31st October 2019

ક્યાર બાદ અરબી સમુદ્રમાં હવે મહા વાવાઝોડાથી આફત

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી :૬ કલાકમાં મહા વાવાઝોડુ સીવીયર સાયક્લોન બનશે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની વકી

અમદાવાદ, તા.૩૧ : ક્યાર વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને મહા વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આ મહા વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ૬ કલાકે ૧૫ કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી ૬ કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો અને દીવ, દમણ, દાદરાનગર હવેલી વિસ્તારમાં વરસાદની શકયતા છે.

        કયારની અસર અને હવે મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે હજુ પણ રાજયમાં વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં ળતાં એક તરફ રાજયના ખેડૂતોની ચિંતા વધી છે તો, બીજીબાજુ, દરિયાઇ પટ્ટાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો, બંદરો પર બે નંબરના સીગ્નલ લગાવી દેવામાં આવી દેવાયા છે. મહા વાવાઝોડાની અસર અને તેની ગતિને લઇ તંત્રના અધિકારીઓ સતત ચાંપતી નજર રાખી રહ્યા છે અને હાલ સમગ્ર તંત્ર પણ એલર્ટ પર મૂકી દેવાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયાઇ પટ્ટામાં સતત વોચ રખાઇ રહી છે.

(10:07 pm IST)